શહેરના સૌથી મોટા બજાર હાથીખાનામાં ગેરકાયદે સિગારેટ અને તમાકુ-માવાના પેકેટો વેચતા ત્રણ વેપારીઓને પોલીસે ઝડપી પાડી રૃા.૩.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે હાથીખાના માર્કેટમાં દિપસાગર એન્ટરપ્રાઇઝ, શ્રી ધનલક્ષ્મી ટ્રેડર્સ, વિજયલક્ષ્મી ટ્રેડર્સ નામની દુકાનમાં જુદી-જુદી બ્રાંડના સિગારેટો તેમજ બીડી અને તમાકુ તેમજ મસાલાના પેકેટ તપકીરના પેકેટ ઉપર આરોગ્ય ચેતવણી સંદર્ભનું ચિત્ર ખોપરી, ક્રોસ હાડકા જેવું ચિત્ર અથવા ચેતવણી ડિસપ્લે થયેલા ના હોય તેવો જથ્થો ગેરકાયદે મંગાવી તેનું વેચાણ થાય છે તેવી બાતમીના આધારે પીસીબી સ્ટાફના માણસોએ ગઇકાલે હાથીખાનાની ત્રણે પેઢીઓ પર દરોડો પાડી તૈયાર તમાકુ મિશ્રિત કાઠિયાવાડી સુપર માવાના પેકેટ, તમાકુ મિશ્રિત માવાના પેકેટ તેમજ સિગારેટોના પેકેટો મળી મોટો જથ્થો કબજે કરાયો હતો.
પોલીસે દિપસાગર એન્ટરપ્રાઇઝના માલિક ગીરધારીભાઇ વાસુદેવ ભાગનાની (રહે.ઘનશ્યામપાર્ક સોસાયટી, હરણી-વારસિયા રિંગ રોડ), શ્રી ધનલક્ષ્મી ટ્રેડર્સના માલિક નવીનચન્દ્ર વીરુમલ કેશવાણી (રહે.સિધ્ધેશ્વર હોલીઓમ સોસાયટી, આજવારોડ) અને વિજયલક્ષ્મી ટ્રેડર્સના માલિક પ્રેમકુમાર ઘનશ્યામદાસ મહેશ્વરી (રહે.ઓનેસ્ટ હોટલની બાજુમાં, સમા-સાવલી રોડ)ની ધરપકડ કરી હતી.