વડોદરાના ગોત્રી વિસ્તારમાં બે સગીર બાળકોને કામ ઉપર રાખી માનસિક અને આર્થિક શોષણ કરી રહેલા બે દુકાન સંચાલકોની એન્ટી હ્યુમન રાઇટ્સ ટ્રાફિકીંગ યુનિટે (A.H.T. U) ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. A.H.T.U.ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમના બે જવાનોને માહિતી મળતા દરોડો પાડ્યો હતો અને બાળકોને બે દુકાનોમાંથી મુક્ત કરાવી પરિવારને સોંપ્યા હતા. A.H.T.U.ની આ કાર્યવાહીના પગલે બાળકો પાસે મજૂરીકામ કરાવનાર વેપારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
બાળમજૂરીનું પ્રમાણ વધ્યું.
શહેરમાં સગીર બાળકોને કામ ઉપર રાખીને માનસિક તેમજ આર્થિક શોષણ કરવાનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને નાની-મોટી દુકાનો તેમજ ખાણી-પીણીની લારીઓ ઉપર બાળકોને કામ ઉપર રાખવામાં આવે છે અને તેમની પાસે 8થી 12 કલાક સુધી કામ કરાવી તેઓનું માનસિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.
બાળકોને મુક્ત કરાવવા ખાસ ટીમ બનાવાઇ.
શહેર પોલીસ તંત્ર દ્વારા બાળ મજૂરી કરતા બાળકોને મુક્ત કરાવવા માટે એન્ટી હ્યુમન રાઇટ્સ ટ્રાફિકીંગ યુનિટ (A.H.T. U) બનાવવામાં આવ્યું છે. આ A.H.T. U ના પી.આઇ. ડો. બી.બી. પટેલ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, સંતોષભાઇ, અને રોનકભાઇ ગોત્રી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
બાતમીના આધારે દરોડો પાડ્યો
દરમિયાન ટીમને માહિતી મળી હતી કે, ગોત્રી વિસ્તારમાં આવેલ શ્રીનાથજી માર્કેટ સ્થિત 38, ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીક અને 107, શ્રી શાંતિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોજલ નામની દુકાનના સંચાલકો બાળકોને કામ ઉપર રાખી માનસિક-આર્થિક શોષણ કરી રહ્યા છે. આ બાતમી મળતાજ A.H.T.U.ની ટીમે બંને દુકાનોમાં દરોડો પાડ્યો હતો.
બંને દુકાનદારોની ધરપકડ કરી
દુકાનોમાં પહોંચેલી A.H.T. U.ની ટીમે ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીક નામની દુકાનમાંથી એક 17 વર્ષ અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોજલ નામની દુકાનમાંથી 16 વર્ષના બાળકને મુક્ત કામ કરાવ્યા હતા. અને તેઓના પરિવારજનોને સોંપ્યા હતા. તે સાથે A.H.T. U ની ટીમે ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટીક નામની દુકાનના સંચાલક જયેશ નાનકરામ ચેતવાણી (રહે. ટી-27/398, એસ.કે. કોલોની, વારસીયા, વડોદરા) અને શાંતિનાથ પ્લાસ્ટીક એન્ડ ડિસ્પોજલ નામની દુકાનના સંચાલક આશિષ પવનકુમાર જૈન (રહે. એ-33, મંગલદીપ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર પાછળ, વાસણા રોડ, વડોદરા)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.