આણંદ અમૂલની મધુર ક્રાંતિનો પ્રારંભ, ખેડૂતો મધમાખી પાલન થકી વધુ આવક મેળવી શકશે.

Anand Latest

આણંદની અમુલ ડેરીના દુધ સંપાદિત વિસ્તારના દુધ ઉત્પાદકો દુધ સાથે મધમાખી પાલનનો પુરક વ્યવસાય કરી તેમની આવકમાં વધારો થાય અને ખેડુતોની આવક બમણી થાય તે હેતુ માટે અમુલ ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસના માર્ગદર્શન હેઠળ નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સહયોગથી સાત દિવસનો વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આણંદ જિલ્લાના 25 તાલીમાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ મહાવિદ્યાલયના કિટકશાસ્ત્ર વિભાગના વડા અને અન્ય પ્રાધ્યાપકોએ મધમાખીમાં થતા રોગ અને તેને નિવારવા અંગે માહિતી આપી હતી.આ ઉપરાંત ખેડુતોને મધમાખી સામાજીક કીટક છે જેની કુટુંબ રચનામાં રાણી મધમાખી મુખ્ય હોય છે અને સેવક મધમાખી ફુલના રસ અને પરાગરજમાંથી મધમાં રુપાંતરિત કરીને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી. વનસ્પતિ સંર્વધનમાં મધમાખીઓ સ્વપરાગનયન, ક્રોસ-પોલિનેશનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, મધમાખી ઉછેર એ કૃષિ આધારીત ઉદ્યોગ છે જે મહિલા, યુવાનો, ભુમિહીન ખેડુત અને વડીલો કરી શકે છે. આ કાર્યક્રમના અંતિમ દિવસે અમુલ સંઘના એમડી અમિત વ્યાસે તાલીમાર્થઓ સાથે ચર્ચા કરી , મધમાખી ઉછેરને વૈજ્ઞાનિક ઢબે કરી મધ ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના અધિકારી દ્વારા પ્રમાણપ્રત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *