બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજયના ખેડુતોનો ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્રારા બે યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અથવા ઓછામાં ઓછુ ૧ એકર પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત પરિવારને ખાતા દીઠ ગમે તે એક સભ્યને એક દેશી ગાય (વાછરડા ગાય તરીકે ગણાશે નહિ.) ના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. ૯૦૦/- (વાર્ષિક રૂ. ૧૦૮૦૦/-) તેમજ જીવામૃત બનાવવા માટે કીટ માટેની (૭૫% કુલ ખર્ચના/ મહત્તમ રૂ. ૧૩૫૦/-) યોજનાનું આઈ-ખેડૂત પોર્ટલ પર ઓન લાઇન રજીસ્ટ્રેશન તા.૧૫ ઓગષ્ટ,૨૦૨૦ સુધી કરી શકાશે.
તદઉપરાંત, જે ખેડુત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડુત પરિવારને ખાતા દીઠ ગમે તે એક સભ્યને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ માસ રૂ. ૯૦૦/- (વાર્ષિક રૂ.૧૦,૮૦૦/-)ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડુત પાસે આઇડેંટીફીકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે તેમજ પ્રવાહી જીવામૃત બનાવવા માટે ખાતા દીઠ ગમે તે એક સભ્યને ૨૦૦ લિટરનું ઢાંકણ વગરનું પ્લાસ્ટીક ડ્રમ, ૧૦ લિટરના બે પ્લાસ્ટીકના ડ્રમ અને ૧૦ લિટર એક પ્લાસ્ટીક ડોલની કીટ આપવામાં આવશે. જેમાં પ્રતિ કીટ માટે થનાર કુલ ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૧૩૫૦/- પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે. પ્રાથમિક મંજુરી મળ્યા બાદ અરજદારે પ્રાથમિક મંજુરીપત્ર અને આધારકાર્ડની ઓળખ સાથે એમ્પેનલ્ડ એજન્સીના વિક્રેતા પાસે જઇને કીટની વસ્તુ મેળવી શકશે.
આ બંને યોજના માટે આઈ.ખેડૂતપોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ છે જે તા.૧૫ ઓગષ્ટ,૨૦૨૦ સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડુતે પ્રિંટ આઉટ અરજી સાથે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, સંયુકત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિ પત્રક અને બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના દિન-૦૭ માં ગ્રામસેવક તથા જે તે તાલુકાના આત્માના એ.ટી.એમ. અને બી.ટી.એમ.ને જમા કરાવવાની રહેશે. તેમ, નર્મદા જિલ્લા આત્મા પ્રોજેકટ ડાયરેકટરએ જણાવ્યું છે.