રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા કોલેજ અને નંદન આર્કેડને એવો તો કયો નાતો છે કે કરોડો રુપિયાનો માલ પુરાઈ ગયો
લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ, સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો મામલાનો પર્દાફાશ થતાં વન વિભાગ બાદ ખાણ-ખનીજ વિભાગે તપાસ કાર્યવાહી હાથ ધરતાં કોલેજના બની બેઠેલા સત્તાધીશો મામલાને ભીનું સંકેલવા હવાતિયા મારી રહ્યા છે. જો કે કોલેજના પાછળના ભાગેથી ચોરાયેલી હજારો મેટ્રિક ટન માટી વહીવટ કેવી રીતે થયો તે તપાસનો વિષય બન્યો છે. લુણાવાડા કોલેજનું તમામ પ્રકારે પોતાના અંગત સ્વાર્થમાં શોષણ કરનારા હીરાભાઈ હરિભાઈ અને અનીલની ત્રિપુટીએ કોલેજને ખોખલી કરવામાં કશું બાકી જ રાખ્યું નથી.
મંડળના બની બેઠેલા વહીવટદારો હીરાભાઈ,હરિભાઈ અને અનિલની જોડીએ તો જાણે લુણાવાડા કોલેજ તેમના બાપની પેઢી હોય તેમ મનસ્વી નિર્ણયો કરવાના શરુ કર્યા. સમય જતાં તેમના મનસ્વી નિર્ણયોથી સંસ્થાને ક્યારેય પૂરી ના શકાય તેવું નુકસાન થવા લાગ્યું. કોલેજ પાછળના આવેલા ડુંગરની માટી અનીલ પંડ્યાની ભાગીદારીમાં બની રહેલા નંદન આર્કેડમાં ઠલવાઈ રહી હતી. નંદન આર્કેડની પ્લીન્થ અને અનીલ પંડ્યાની ભૂખ વધતી જતી હતી. ડમ્પરો ભરીને માટી ખોદાઈને નંદન આર્કેડમાં ઠલવાતી. કોલેજના લાગતા વળગતાઓની આંખ બંધ કરી રાખેલ હતી કે આડું જોઈ ગાડું ગબડાવતા હતા. જાગૃત બે સભ્યો ઉપપ્રમુખ જશવંતભાઈ અને સહમંત્રી કનુભાઈએ સ્થળ પર જઈ તપાસ કરી નોટીસ આપી પરંતુ નોટીસ ફાઈલોમાં દબાઈ ગઈ ચાર મહિના ઉપરાંતનો સમય થયો. જાગૃતજનોની ધીરજ જવાબ દઈ રહી છે પણ જાડી ચામડીના ભ્રષ્ટાચારીઓને કોઈ અસર નથી છેલ્લા કેટલાક વર્ષોમાં હીરાભાઈ, હરિભાઈ અને અનિલ ત્રણેય જણાએ પોતપોતાની ખાનગી કોલેજો શરુ કરી તગડી ફી વસુલી સંસ્થાને આર્થીક અને સૈધાંતિક નુકસાન પહોંચાડવાનું શરુ કર્યું ધીરે ધીરે સંસ્થામાં વહીવટી અગવડતાઓ ઉભી કરી કોલેજના કેટલાક કર્મચારીઓને પોતાનો હાથો બનાવી એક એક વર્ગ બંધ કરવાનું શરુ કર્યું. જેના કારણે વિસ્તારના ગરીબ લોકોને બળજબરી મોંઘી ફી ઓ ભરી પોતાની સંસ્થાઓમાં એડમીશન લેવા માટે મજબુર કરવા લાગ્યા ! લુણાવાડા કોલેજમાં વિદ્યાર્થીઓ ઘટવા લાગ્યા બીજી તરફ હીરાભાઈની પોતાની સેલ્ફ ફાયનાન્સ વેદાંત કોલેજમાં અને હરિભાઈ અનીલની સેલ્ફ ફાયનાન્સ મહીસાગર કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી સંસ્થાને ભારોભાર આર્થીક નુકસાન પહોંચવા લાગ્યું.સંસ્થામાં આવતી ગ્રાન્ટોમાં ગેરવહીવટ અને વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા ભેગા કરતાં સત્તાભૂખ્યા સ્વાર્થી તત્વો અંગત હિત માટે વિદ્યાકેન્દ્રને વેચાણ કેન્દ્રમાં પરિવર્તિત કરી કોલેજની જમીનમાંથી અંગત આવક વધારી કોલેજને આર્થીક નુકસાન પહોંચાડ્યું. વિદ્યાર્થી સંખ્યાને બાયપાસ કરી પોતાની સેલ્ફ ફાયનાનસ સંસ્થાને સધ્ધર કરતી ત્રિપુટીએ લુણાવાડાના સૌથી મોટા વિદ્યાધામને નુકસાન પહોંચાડી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઉચ્ચ અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીઓને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે.
અત્રે નોંધનીય છે કે લુણાવાડા વિભાગ ઉચ્ચ વિદ્યોત્તેજક મંડળ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લુણાવાડા નગર તાલુકા સહીત આસપાસના તમામ વિસ્તારના લોકોનું શિક્ષનનું સ્તર સુધરે તે માટે લુણાવાડા આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.ધીરે ધીરે આ સંસ્થા પ્રગતિના સોપાનો સર કરતી રહી અને લાખો વિદ્યાર્થીઓને જીવનના અમુલ્ય સોપાનો સર કરાવ્યા અને સનિષ્ઠ પાયાના સભ્યોના સક્રિય પ્રયત્નોથી સફળતાના શિખર પર સંસ્થા પહોંચી સમયાંતરે ઉમદા હેતુથી મંડળનું નિર્માણ કરનારા જે તે વખતના ટ્રસ્ટીઓ સ્વર્ગવાસ પામતા કેટલાક સત્તાલાલચુઓ પોતાના ખિસ્સા ભરવા અને સંસ્થાના મુલ્યોને નુકસાન પહોંચાડવા ગેરકાયદેસર રીતે સંસ્થાના વહીવટકર્તા બની ગયા અને ધીરે ધીરે ટ્રસ્ટનું બંધારણ અને કાયદો નેવે મુકીને સંસ્થાને લુંટવાનું કામ ચાલુ કર્યું.
લુણાવાડા કોલેજના પાછળના ભાગે માટી અને સાગની ચોરી ઝડપાયા બાદ ઇન્ચાર્જ આચાર્યએ રાજીનામું દેતા ખળભળાટ
લુણાવાડાની પ્રતિષ્ઠિત શ્રી પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય વિગ્નેશ શુક્લએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે બીજી તરફ કોલેજના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર આશંકાઓ પ્રબળ બની છે. ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો મામલાનો પર્દાફાશ થતાં વન વિભાગ બાદ ખાણખનીજ વિભાગે તપાસ કાર્યવાહી હાથ ધરતાં કોલેજના બની બેઠેલા સત્તાધીશોમાં પગ નીચેથી ધરતી સરકી રહી છે તો કોલેજના ગ્રાન્ટો સહિતના વહીવટમાં પણ વ્યાપક ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે.
કોલેજમાં ભ્રષ્ટાચારના એક પછી એક મામલા ખુલતા કોલેજના ઇન્ચાર્જ આચાર્યમાં ગભરાટ ફેલાયો હતો. કોલેજની કામગીરીમાં કેટલાક ભ્રષ્ટ સત્તાધીશોના દબાણમાં કરેલ નિર્ણયોની પણ આગામી સમયમાં તપાસ થવાના ભયે ઇન્ચાર્જ આચાર્યમાં પણ ડર પેઠો હતો તેવું કોલેજ સ્ટાફમાં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ કોલેજની પાછળ થયેલા માટી અને સાગ ચોરી કૌભાંડમાં પૂછપરછમાં જણાવ્યું હતું કે હું સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય છું. કોલેજ બિલ્ડીંગ લેબોરેટરી સહિતની જગ્યાનું દર વર્ષે મંડળને રૂ. ૧,૦૩,૩૨૦ રૂપિયા ભાડું સંસ્થા આપે છે. જે જગ્યા પર ખોદકામ થયું છે તે જગ્યા સાથે કોલેજને કોઈ લેવાદેવા નથી.એ મંડળના વહીવટનો વિષય છે. પરંતુ કોલેજના વહીવટના અને નાણાંકીય વ્યવહારોના વિષયમાં તપાસના ફફડાટે બની બેઠેલા વહીવટદારોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. કેટલાક ભ્રષ્ટ સત્તાધીશોના સતત ખોટું કરાવવાના દબાણથી કંટાળેલા ઇન્ચાર્જ આચાર્યએ રાજીનામું ધરી દીધું હોવાની વાતો વહેતી થઇ હતી. ઇન્ચાર્જ આચાર્યએ રાજીનામું ધરી દેતા ડી.એચ.રાઠોડે પદભાર સંભાળ્યો છે. બીજી તરફ ઇન્ચાર્જ આચાર્યના રાજીનામાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.