શાળાના શિક્ષકો દ્વારા છેલ્લા ૭ મહિનાથી પગારના નામે ઉઠાં ભણાવતા નફફટ ટ્રસ્ટીઓ દ્વારા જે વર્તન કરવામાં આવે છે તેની સામે શિક્ષકોની આત્મવિલોપનની ચીમકી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં આવેલી પ્રખ્યાત ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શાળાના શિક્ષકોને છેલ્લા સાત માસથી પગાર ન ચૂકવી અને ઉઠાં ભણાવતા સંચાલક સામે જ્યારે શિક્ષકો દ્વારા જ્યારે ફોન કરી પગારની માગણી કરવામાં આવે છે ત્યારે ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપવામાં આવે છે. ફોન કરેલ શિક્ષકોને
માપ માં રહો નહિતર કેરિયર બગાડી નાખીશું જેવા મેસેજ કરવામાં આવે છે. ટેલીફોનીક વાતચીતમાં તમારાથી થાય તે કરી લો હું કોઈનાથી પણ ડરતો નથી અને જો વધુ હોશિયાર બનશો તો બીજી શાળામાં પણ નોકરી નહિ કરવા દઉ એવી ધમકી આપતા શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. શિક્ષકો દ્વારા પગારની માગણી કરતા સંચાલક દ્વારા કહેવામાં આવે છે કે સરકાર તમને મફતમાં અનાજ પાણી તો આપે છે તો તમારે રૂપિયા ની શું જરૂર છે. તેવું શાળાના શિક્ષકો એ જણાવ્યું હતું .
જ્યાં સુધી સંચાલકો દ્વારા પગાર નહિ ચૂકવવામાં આવે ત્યાં સુધી આ લડત શરૂ રહેશે અને શાળાના સંચાલકોએ જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે-હેમલતાબેન ભોઈ, હ્યુમન રાઇટ્સ કમિશન, મહીસાગર વુમન પ્રોટેક્શન.
સ્કૂલ બંધ થાય જવાના આરે હોઈ અમોએ માત્ર સંચાલક તરીકે આવ્યા હતા અને ૪ મહિનાનો પગાર અમારી રીતે કર્યો હતો પરંતુ સ્કૂલમાં ફી નહી આવતા અને લોકડાઉંનની પરિસ્થિતિ સર્જાતા અમો સ્કૂલ ઉપર આવી શક્યા નથી અમે મંડળ જોડે વાત કરી નિવેડો લાવીશું -મહેશ ઠાકર
શિક્ષકો દ્વારા આજે મહીસાગર જિલ્લાના હ્યુમન રાઇટ્સ કમિશન ના મહિલા પ્રોટેકશન શેલ અગ્રણીના નેતૃત્વમાં આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. શિક્ષક જ્યારે ભવિષ્યનું ઘડતર કરતો મોભાનો વ્યક્તિ માનવામાં આવે છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવતું આ પ્રકારનું વર્તન સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત સર્જી રહ્યું છે.
કોરોના જેવી મહામારી ના કારણે સમગ્ર વિશ્વમાં લોક ડાઉન કરવામાં આવ્યું છે ત્યારે શિક્ષકોના પગાર ન થવાના કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. જો અમને ગણતરીના દિવસોમાં પગાર નહિ ચૂકવવામાં આવે તો આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. ઘરની લોન, હપ્તા, દવા જેવા રોજિંદા ખર્ચ માટે આ પગાર ન થવાથી ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે-દિનેશ પ્રણામી શિક્ષક, ચાણક્ય ડે સ્કુલ, લુણાવાડા