બુધવારે વહેલી સવારે મુન્દ્રા પોર્ટના પશ્ચિમી વિસ્તારમાં માછીમારોને વ્હેલ શાર્ક માછલી જોવા મળી હતી,જો કે પ્રકૃતિપ્રેમીઓ અને જંગલખાતાના મત મુજબ કચ્છના દરિયાકાંઠે જીવતી વ્હેલને ક્લિક કરી હોય તેવી સંભવત આ પ્રથમ ઘટના છે.
ગુજરાતના માછીમારોએ લગભગ ૭૦૦ જેટલી વ્હેલ શાર્કને બચાવી છે
મુન્દ્રાની આ ઘટનાના ફોટો વાયરલ થતા વનવિભાગ પણ દોડતું થયું હતું,જો કે કોઈ સુરાગ કે વધુ વિગતો હાથ લાગી ન હતી.ગાંધીનગર સ્થિત વનવિભાગમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ વ્હેલ શાર્કની પ્રજાતિને સંરક્ષિત પ્રજાતિમાં સામેલ કરવામાં નહોતી આવી,આજથી વિસ વર્ષ પહેલા મોટી સંખ્યામાં તેનો શિકાર કરવામાં આવતો હતો.વન અને પર્યાવરણ મંત્રાલયે ભારતીય જળ સીમામાં વ્હેલ શાર્કને સંપૂર્ણ કાયદાકીય સંરક્ષણ પુરું પાડ્યું છે.કચ્છમાં આ અગાઉ મેં 2016માં મોઢવા નજીક 4.5 ફુટ લાંબી વ્હેલ માછલી મૃત જોવા મળી હતી.જો કે મુન્દ્રા પોર્ટ નજીકના વિસ્તારમાં ક્લિક થયેલી તસવીરો ફેસબુક પર અવર કચ્છ નામના પેજ પર પ્રસિદ્ધ કરવામા આવી હતી.એક આંકડો એમ પણ કહે છે કે,છેલ્લા ૧૫ વર્ષમાં ગુજરાતના માછીમારોએ લગભગ ૭૦૦ જેટલી વ્હેલ શાર્કને બચાવી છે.પૂર્વ કચ્છના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલે પણ આશ્ચર્યથી જીવિત વ્હેલ કચ્છમાં દેખાતા ખુશી વ્યક્ત કરી હતી,જો કે તેઓના ધ્યાને આવો કોઇ જ ફોટોગ્રાફીક રેકોર્ડ પહેલાનો ન હોવાનું પણ જણાવ્યું હતું