રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીને કારણે ભારત દેશ સહિત ગુજરાત રાજ્ય ઝઝૂમી રહ્યું છે. ત્યારે કોરોનાવાયરસ ને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી કોરોનાવાયરસ ને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. કોરોના સામેની લડતમાં જિલ્લા તંત્ર સુસજ્જ અને સતર્ક રહી કોરોના મહામારીને પહોંચી વળવા સક્ષમ છે. ત્યારે વીરપુર તાલુકાના સરાડિયા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા કન્ટેન્ટમેન્ટ એરિયામાં સંક્રમણને ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમા આરોગ્યતંત્ર દ્વારા આયુર્વેદિક ઉકાળા વિતરણ, સમસમ વટીની આયુર્વેદિક ગોળી વિતરણ અને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ તેમજ અવાર નવાર આ વિસ્તારમાં લોકોની આરોગ્ય તપાસણી જેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે સંદર્ભેની થયેલી કામગીરીનું જાત નિરિક્ષણ માટે જિલ્લા કલેકટર આર.બી બારડે સરાડીયા કન્ટેઇન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.
કલેકટરએ આ ગામોના ગ્રામજનોને આરોગ્ય તંત્ર દ્વારા થયેલી કામગીરીની પૃચ્છા કરી કોરોના સંદર્ભે સાવચેતી રાખવા તેમજ કોરોના સંક્રમણ અંગે આરોગ્ય ટીમ દ્વારા થયેલ જમીની સ્તર ની ચકાસણી કરી ઉપસ્થિતોને જરૂરી સલાહ સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરએ આ વિસ્તારમાં ચાલતા સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાના કામની મુલાકાત લઇ થયેલી કામગીરીની તેમજ કોરોના સંદર્ભે રખાતી તકેદારીની જાત તપાસ કરી હતી. આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રિકાબેન ભાભોર અને આરોગ્ય વિભાગ તેમજ ડીઆરડીએના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.