રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કોરોનાના સંક્રમણ વચ્ચે માંડલ તાલુકામાં અગાઉ પણ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. પણ હવે તાલુકાના માંડલ શહેર માટે માઠા સમાચાર એ આવ્યા છે કે, હવે અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં ચબૂતરા ચોક વિસ્તારમાં આવેલ પાણીના બોર પાછળ રાણીપરા વિસ્તારમાં પણ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યો છે. માંડલના રાણીપરા વિસ્તાર ખાતે રહેતી ૧૧ વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. બાળકી જેને કિડની અને લીવરની તકલીફ હતી તેને ઘણાં સમયથી પાટણ તાલુકાની એક ખાનગી હોસ્પિટલમાં દવા ચાલતી હતી પરંતુ ફેર ન પડતાં બાળકી માટે વિરમગામથી પણ દવા લીધી હતી. પરંતુ ગંભીર પ્રશ્ન હોવાથી તેને તા.9 મે ના રોજ અમદાવાદ સિવીલ હોસ્પિટલના કિડની વિભાગમાં દાખલ કરાઈ હતી અને તેને સિવિલમાં કોરોનાના વાતાવરણ વચ્ચે તેને ઇન્ફેકશન લાગી જતાં ડોકટરોએ આ બાળકીનું બ્લડ સેમ્પલ તા.18 ના રોજ લીધું હતું અને તેનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આજે તા.20 ના રોજ જાહેર થતાં માંડલ ગામમાં અને આજુબાજુના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જોકે માંડલ ગામ પણ હવે કોરોના સંક્રમિત થઈ ગયું છે જેના કારણે માંડલ બાળકીના ઘરે અને આજુબાજુ પાડોશી કુલ 16 લોકોને ક્વોરનટાઇન કરાયા હતાં અને તંત્ર સજ્જ થઈ ગયું હતું. માંડલ ખાતે કોવિડ-૧૯ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન પણ આવી હતી અને અન્ય 10 લોકોના બ્લડ સેમ્પલ પણ લીધા હતા. જોકે તકેદારી અને સરકારના જાહેરનામા મુજબ માંડલ ફરી પોલીસ દ્વારા સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું.