વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ અગાઉ લાલબાગ તળાવમાં જંગલી વનસ્પતિનો નાશ કરવા અને ગંદુ પાણી ચોખ્ખું કરવા વૈદિક, આયુર્વેદિક અને જૈવિક પદ્ધતિથી કામગીરી શરૂ કરી છે. તેની હકારાત્મક અસર જોવા મળી રહી છે. લાલબાગ તળાવ પાસે કાશીવિશ્વનાથનું તળાવ આવેલું છે. કાશી વિશ્વનાથ તળાવમાં ગટરનું પાણી આવતું રહે છે અને આ સમસ્યા ખૂબ જૂની છે. ઘણા પ્રયાસો કરવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. ગટરના પાણી ભરેલા રહેતા તળાવમાં ગંદકી, મચ્છર અને જંગલી વનસ્પતિનું ઉપદ્રવ છે. હવે કાશીવિશ્વનાથ તળાવ ચોમાસા પૂર્વે ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ કોર્પોરેશનની ડ્રેનેજ અને સુએજ સમિતિના અધ્યક્ષનું કહેવું છે. તેમના જણાવ્યા મુજબ કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવ વચ્ચે લેવલની સમસ્યા છે. કાશી વિશ્વનાથ તળાવથી 9 ઈંચ ડાયામીટર લાઈન નાખીને લાલબાગમાં પાણી ખાલી કરવામાં આવશે. લાલબાગથી વિશ્વામિત્રીમાં પાણી ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ચાલુ કરી છે. કાશી વિશ્વનાથ તળાવ ખાલી થતાં તળાવમાંથી ગટરનું પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢશે. ડ્રેનેજના આ જોડાણોને પ્રોપર-વે થી ડાયવર્ટ કરાશે. જેથી પબ્લિકને હેરાનગતિ ન થાય. 9 ઈંચની ડાયામીટરની લાઇન સાથે પંપ જોડીને લાલબાગમાં કાશીવિશ્વનાથનું પાણી ખાલી કરાશે, અને આ કામગીરી શરૂ કરાતાં તેનું રિઝલ્ટ ચોમાસા પૂર્વે જોવા મળશે. દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર કહે છે કે કાશી વિશ્વનાથ તળાવમાં ગટરના ગંદા પાણીના પ્રશ્નો અંગે વર્ષોથી રજૂઆતો થાય છે, કોઈ ઉકેલ આવ્યો નથી. ડ્રેનેજના જોડાણો બંધ થઈ શક્યા નથી. લેવલને કારણે લાલબાગનું પાણી કાશી વિશ્વનાથ તળાવમાં આવે છે. જો કામ હવે થાય તો સારું લોકોને રાહત રહેશે.