કેશોદ તાલુકાના ઇન્દ્રાણામાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું, સોનાના દાગીના સહિત 2.53 લાખના માલમતાની ચોરી.

Junagadh Latest

જૂનાગઢના કેશોદ તાલુકાના ઈન્દ્રાણા ગામમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના તાળા તોડી અજાણ્યા ચાર તસ્કરોએ 2.53 લાખની કિંમતના અંદાજે 15 તોલાના સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. આ ઉપરાંત બાજુમાં આવેલા બાલાગામમાં પણ તસ્કરોએ એક દુકાનના તાળા તોડી 11 હજાર રોકડની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાઓ અંગે ફરીયાદ થતા કેશોદ પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસનો ઘમધમાટ શરૂ કર્યો છે. એક જ રાતમાં પંથકના બે ગામોમાં તસ્કરોના તરખાટથી ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે.આ અંગે પોલસીમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના ઈન્દ્રાણા ગામમાં રહેતા અને લુહારીકામ કરતા વલ્લભ લાલજીભાઈ આસોડિયાના પત્નીને ગતરાત્રીના છાતીમાં દુઃખતું હોવાથી તેઓ ઘરને તાળા મારી બહાર ગામ દવા લેવા ગયા હતા. બાદમાં તેઓ રાત્રે સાડા ત્રણેક વાગ્યે ઘરે પરત આવ્યાં ત્યારે તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં રહેલા કબટના લોક તુટેલા અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી તેમણે તપાસ કરતા કબાટમાં રાખેલા સોનાના ડોકિયા, ચેઇન, લક્કી, સોનાના દાણા, ઓમકાર, ચાંદીના સાંકળા મળી 15 તોલાના દાગીના સહિત કુલ 2.53 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયાનું જણાયું હતું. જેથી વલ્લભભાઈ એ પોતાના કેશોદ રહેતા પુત્રને ચોરી અંગે જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા.આ દરમિયાન બાજુમાં રહેતા પાડોશીએ જણાવ્યું કે, તેઓ અગાસી પર સુતા હોય મોડીરાત્રીના લઘુશંકા કરવા ઉઠ્યા ત્યારે ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં ઉભા જોવા મળતા ચીસ્સો પાડતા તેઓએ પથ્થર ઘા કર્યા હતા. એ સમયે જ અન્ય એક ચોથો વ્યક્તિ પણ ત્યાં આવ્યો હતો. આ સમયે તેમના પરીવારજનએ ડેલી ખોલી બહાર જોવા જતા જ તસ્કરો ધુળ ઉડાડી અંધારામાં નાસી ગયા હતા. આ ચોરી મામલે વલ્લભભાઈએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને સગડ મેળવવા તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *