ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. એકતરફ પૂર્વ મંત્રીઓને ધારાસભ્ય ક્વાર્ટર મળતું હોવા છતાં તેમની માંગણી મુજબ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા છે ત્યારે 4716 કર્મચારીઓ સરકારી ક્વાર્ટર માટે લાંબા સમયથી વેઇટીંગમાં છે. હજુ પણ બે ત્રણ વર્ષ સુધી તમામ કર્મચારીઓને ક્વાર્ટર મળે તેવી શક્યતા નથી. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ મંત્રીઓને ક-ટાઇપના પાંચ બંગલા ફાળવવામાં આવ્યા છે. મંત્રી નિવાસ સંકુલની બહાર ગાંધીનગરમાં આ સૌથી મોટા બંગલા છે. બીજી તરફ પાત્રતા ધરાવતા હોવા છતાં 19 અધિકારીઓ ક- ટાઇપના બંગલા માટે વેઇટીંગમાં છે. અન્ય પૂર્વ મંત્રીઓને ખ-ટાઇપના બંગલા અપાયા છે. ખ- ટાઇપ માટે 13 અધિકારીઓ વેઇટીંગમાં છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ નિવૃત્તિ બાદ પણ 412 કર્મચારીઓએ સરકારી ક્વાર્ટર ખાલી કર્યા નથી. નિવૃત્તિ બાદ સરકારી આવાસ વધુ સમય ચાલું રાખવા માટે સરકારને બે વર્ષમાં 906 અરજીઓ મળી છે તે પૈકી 745 અરજીઓ મંજૂર રાખવામાં આવી છે. બીજીતરફ ગેરકાયદે આવાસ ધરાવનાર કર્મચારીઓ પાસેથી 36.67 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે. એક તરફ મંત્રીઓ અને ધારાસભ્યો માટે નવા આવાસ બાંધવા માટેનું ફંડ વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ આટલી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ક્વાર્ટર મળે તેની રાહ જોઈ રહ્યા છે.
Home > Gandhinagar > પૂર્વ મંત્રીઓને બંગલા, 4716 કર્મી વેઇટિંગમાં; ગાંધીનગરમાં 412 કર્મચારીઓએ નિવૃત્ત થયા બાદ પણ મકાન ખાલી કર્યા નથી.