અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, ‘અમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે.
તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની મુદત લંબાવો, જરૂર લાગે તો ભારત સરકારની મંજૂરી લો.ક્રિમિનલ સાયકોલોજીમાં પી.એચ.ડી કરી રહેલા વિદ્યાર્થી મોહમ્મદ ખાલીદે જણાવ્યું કે,‘આશરે 20 વર્ષ બાદ અમારા દેશમાં સત્તા પલટો થયો છે. નવી સરકારના લીધે નવી નીતિનું ગઠન થતાં સ્વાભાવિક વિલંબ થાય તેમ છે. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના વિઝાની અંતિમ મુદત ઓગસ્ટમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની સલામતિને ધ્યાનમાં રાખીને તેમને ભારતમાં રહેવા માટેની મંજૂરી આપવી જોઈએ.
કંદહાર, કાબૂલ, જલાલાબાદ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાંથી હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં આશરે 30થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકીના 15થી વધુ વિદ્યાર્થીઓ બીએસસી,બીબીએ, બીસીએમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ વિદ્યાર્થીઓના વિઝા ઓગસ્ટના અંતમાં પૂરા થઈ રહ્યા છે.