જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ હાલોલના લિમડી ફળિયાના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાત લઈ જે પોઝિટીવ કેસો મળ્યા બાદ સંક્રમણને કાબૂમાં લેવા માટે કરાઈ રહેલી કામગીરીની ચકાસણી હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને મળીને તેમના પ્રતિભાવો જાણ્યા અને ત્યાર બાદ રાખવામાં આવતી સાવચેતીના પગલાઓ વિશે સમજૂત આપી, સહયોગ આપવા અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ મૂવમેન્ટ રજિસ્ટરને કમ્પ્યુટરાઈઝ્ડ કરવા અંગે સૂચના આપી હતી. આ ઉપરાંત, હાલોલ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલા ટેસ્ટીંગ અને મેડિકલ સર્વે અંગે જાણકારી મેળવી તેના સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. કલેક્ટરશ્રીએ બહારથી આવી રહેલ શ્રમિકો-મજદૂરોના જિલ્લામાં પ્રવેશ સમયે થતી ચેકિંગ અને સ્ક્રીનિંગ સહિતની કામગીરીની ચકાસણી કરવા માટે જિલ્લાની ચેકપોસ્ટોની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લાની તમામ 7 ચેકપોસ્ટ પર પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પ્રવેશ સમયે આરોગ્ય ટીમ દ્વારા તેમની વ્યવસ્થિત આરોગ્ય ચકાસણી થાય છે કે નથી તે માટે તેમને વધુ સઘન ચકાસણી માટે તાલુકા સ્ક્રીનીંગ સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની બી.પી., ડાયાબીટીસ, કોલેસ્ટેરોલ સહિતની તપાસ કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી અમિત અરોરાએ સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે વહીવટીતંત્રને પૂરતો સહયોગ આપવા તેમજ સરકાર દ્વારા સૂચવાયેલા બચાવના પગલાઓનું પાલન કરવા અપીલ કરી હતી.