પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા
પંચમહાલના શહેરા તાલુકાના છેવાડાનુ ગામ ઉડાંરા પાસે થી પસાર થતી પાનમ નદીમાં ખાણખનીજ વિભાગના આશીર્વાદ થી મોટા પાયે રેતી ખનન થઈ રહયુ છે. ટ્રેક્ટર સહિતના વાહનોમાં બેરોકટોક રોયલ્ટી પાસ વગર ખનિજ વહન થતુ હોવા છતાં ખાણખનીજ વિભાગ અહી તપાસ કરવાનું પણ વિચારી રહ્યુ નથી.
શહેરાના ઊડાંરા ગામ પાસે પસાર થતી પાનમ નદીમાં ખનીજ વિભાગના નિયમોનું પાલનના કરીને રેતી કાઢીને ટ્રેકટર સહિતના વાહનોમાં લઈ જવામાં આવી રહી છે. પાછલા કેટલાક મહિનાઓથી આ પાનમ નદીમાં રેતી ખનન થઈ રહયુ હોવા છતા જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નદીમાંથી મોટા પ્રમાણમાં દિવસ દરમિયાન રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં હેરાફેરી થતી હોવાથી ગામના રસ્તાઓને નુકશાન પહોંચવા સાથે રસ્તાઓ ઉબડ ખાબડ બનતા નાના-મોટા વાહન ચાલકોને પસાર થતી વખતે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અહી મોટા માથાઓ દ્વારા ખનીજ ચોરી થતી હોવાથી ખનીજ વિભાગ પણ આ બાબતે કાર્યવાહી કરવામાં ખચકાઈ રહયુ છે. અહી જે લીઝ આવેલી છે. લીઝ માલિક દ્વારા રેતી કાઢવવા માટે આડેધડ ખોદકામ કરતાં નદીમા મોટા ખાડાઓ પણ પડી ગયા છે. પાનમ નદીની જે સુંદરતા પહેલા હતી.તે હવે જોવા મળી રહી નથી. તાલુકામાં નાડા સહિતના ગામોમાં રેતીની લીઝો ખાણખનીજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે પાનમ નદીમાં ખાણખનીજ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ખનીજ ચોરી સાથે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું અટકી શકે તેમ છે. ખાણ ખનીજ વિભાગ સરકારી તિજોરીને નુકશાન કરનાર ખનીજ માફીયાઓ સામે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે તેતો જોવુ જ બની રહયુ છે.