રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા નગર વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. નગર વિસ્તારમાં આવેલ ૬ વોર્ડના ૨૨ બેઠકો પર ભાજપ અને અપક્ષ ના 44 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમા છે. આ વખતની ચૂંટણીમાં મતદારો પણ વીતેલા સમયને યાદ કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે.
શહેરા નગરપાલિકાની ચૂંટણીમા 6 વોર્ડમા પુરૂષ મતદારો ૮,૪૧૯ અને સ્ત્રી મતદારો ૭,૭૩૫ મળી કુલ ૧૬,૧૫૪ મતદારો આ વખતની ચુંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરનાર છે, આ વખતની ચૂંટણીમા કોંગ્રેસ અદ્રશ્ય થતા ભાજપ અને અપક્ષના 44 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહયો છે. નગર વિસ્તારમાં જોઈએ તેટલો ચૂંટણીનો માહોલ જોવા મળી રહયો નથી. ત્યારે મતદારો આ વખતની ચૂંટણીમા પરિવર્તન તો ઇચ્છી રહયા નથી કે શું ? નગરના વિવિધ વોર્ડના મતદારો આ વખતની ચૂંટણીમાં ગત વખતની ચૂંટણીમાં ઊભા રહેલ ઉમેદવારોએ તેમની સમસ્યા કેટલી હલ કરવા સાથે વિકાસ ને ધ્યાનમાં લઈને તેમજ કેટલી વખત ઉમેદવારોએ મુલાકાત લીધી તેવા અનેક વિચારો સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તો નવાઈ નહી, નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો અપક્ષના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. વોર્ડ નંબર 2 મા ભાજપની સક્રિય મહિલા કાર્યકર સુશીલાબેન મારવાડી આ વખતની ચૂંટણીમા અપક્ષમાથી ઉમેદવારી કરીને ભાજપના ઉમેદવાર ને હરાવવા માટે એડી ચોટીનુ ઝોર લગાવી રહયા છે. તેઓ જણાવી રહયા છે કે મારી જીત પાકી હોવા સાથે મારા મત વિસ્તારના મતદારો પણ મારી સાથે છે, નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી કચેરી દ્વારા શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.