રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા
શહેરા તાલુકાના સુરેલી ગામના યુવાનને ગોધરા રેલવે સ્ટેશન થી બિનવારસી પાકીટ મળેલ હતું. યુવાને ગોધરાના રહીશનું પાકીટ પરત કરી માનવતા અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યુ હતુ.
બનાવ કંઈક એવા પ્રકારનો છે કે ગોધરાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા જયેશભાઇ મકવાણા તેમની પત્ની અને બાળકો સાથે સબંધીના લગ્ન પ્રસંગે મુંબઇ જઈ રહયા હતા અને ગોધરા રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા મુંબઈ તરફની ટ્રેન આવતા તેઓ પોતાના સામાન સાથે ટ્રેનમાં ચડી રહયા હતા દરમિયાનમાં સામાનમાંથી તેમની પત્નીનું મોટું પાકીટ ઉતાવળના કારણે તે પ્લેટફોર્મ પડી ગયું હતુ. ટ્રેનની અંદર તપાસ કરતા ના મળતા તેઓની પુત્રી ખુશ્બૂએ જાતે ત્યાં પ્લેટફોર્મ પણ તપાસ કરી પરંતુ ક્યાંયે મળી આવ્યું ન હતું આથી મકવાણા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી, તેમની છોકરી ખુશ્બુબેન જયેશભાઇ દ્વારા ગોધરા રેલવે મથકના પોલીસ મથકમાં પાકીટ ગુમની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ શહેરા તાલુકાના સુરેલી ગામના વતની એવા અશ્વિનભાઈ ભુપતભાઇ પટેલ જેઓ ડ્રાઇવિંગનું કામ કરે છે તેઓ પોતાની ફરજ પૂર્ણ કરી વડોદરાથી ગોધરા આવી રહયા હતા,અને ટ્રેનમાં થી ઉતરી તેઓ પ્લેટફોર્મ પરથી બહાર આવી રહયા હતા તે સમયે તેઓની નજર એક બિનવારસી પાકીટ પર પડી આથી અશ્વિનભાઈએ પડેલું પાકીટ ઉઠાવી લઈ પોતાની પાસે રાખ્યું હતું અને શહેરા આવી તેઓના કાકા કે જેઓ શહેરા પોલીસ મથકમાં ગ્રામરક્ષક દળમાં ફરજ નિભાવી રહયા છે તેઓને આપ્યું હતું.અને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા પાકીટ ખોલીને જોતા તેમાં બે મોબાઈલ અને કેટલીક રોકડ પણ હતી ત્યારે વર્તમાન સમયમાં સમાજમાં એવા કેટલાય લોકો છે જેઓમાં આજે પણ પ્રામાણિકતા અને માનવતા જોવા મળે છે. એમાંના એક અશ્વિનભાઈ ને આપણે ગણી શકીએ. ત્યારબાદ મોબાઈલ પર એક ફોન આવતા તેઓએ તેમનું પાકીટ શહેરા પોલીસ મથકે હોવાનું જણાવ્યું હતું. અને તેઓજ આ પાકિટના માલિક છે તે બાબતની ખરાઈ કરી તેઓને પરત કર્યું હતું. જોકે જયેશભાઇ મકવાણા ને તેઓનું ખોવાયેલા પાકિટની અંદર રહેલી વસ્તુ યથાવત મળતા તેઓએ અશ્વિનભાઈ તરફ પોતાનો અહોભાવ પ્રકટ કરતા તેઓની પ્રમાણિકતાને બિરદાવી હતી અને કેટલાક લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા જેમાં મકવાણા પરિવારને તેઓની ખોવાયેલી વસ્તુ પરત મળી, તો અશ્વિનભાઈ એ માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.