રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતોની પાયમાલી ની હકીકત જાણી સરકાર માં રજુઆત કરવાની આપી ખાત્રી…
કેશોદ તાલુકાના ઘેડ પંથકના વિસ્તારમાં અતિવૃષ્ટિ ને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં થયેલી નુકસાની ની રૂબરૂમાં સમસ્યાઓ જાણવાં ગુજરાત વિધાનસભા નાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સવારથી પ્રવાસે આવ્યાં હતાં. કેશોદ તાલુકાના બામણાસા,સરોડ, અખોદર,પંચાળા, બાલાગામ ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો આગેવાનો નાં પ્રશ્નો સાંભળ્યા હતાં. કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઓઝત નદી,સાબળી નદી, મધુવંતી નદી,ઉબેણ નદી, ઉતાવળીયો નદી અને ટીલોળી નદી પસાર થતી હોય ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી અને ડેમના દરવાજા ખોલવામાં આવતાં હોય જેથી ઘોડાપુર આવતાં ખેડૂતો નાં ખેતરોમાં પાણી ફરી વળતાં ઉભાં પાકને નુક્સાન થાય છે. આ વર્ષે દર વર્ષ કરતાં વધુ ૧૫૮% વરસાદ પડવાની સાથે પાળાઓ તુટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કેશોદના ઘેડ પંથકના નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસી જતા ખેતપેદાશો અને માલ ઢોરની નુકસાની થયેલી છે. ગુજરાત વિધાનસભા નાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સાથે પ્રવાસમાં ધારાસભ્યો ભીખાભાઈ જોષી, પુંજાભાઈ વંશ બાબુભાઈ વાજા સહિત જીલ્લા પંચાયત સભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતાં. કેશોદ તાલુકાના ઘેડ પંથકના ખેડૂતો નાં પ્રશ્નો અને સમસ્યાઓ જાણીને કોગ્રેસી આગેવાનો પદાધિકારીઓ દ્વારા આવનારાં દિવસોમાં મળનારા વિધાનસભા સત્ર માં રજૂ કરી સરકાર પાસે જવાબ માંગવાની ખાત્રી આપી હતી.
ઘેડ પંથકના ખેડૂતો ને પોતાના માલ ઢોર માટે ચારાની પ્રાથમિક જરૂરિયાત અને તુટી ગયેલા પાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તો જ ખરીફ પાક લઈ શકાય એવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાજકીય આગેવાનો દ્વારા સત્વરે નુકસાની ની રકમ ચુકવવા અને ઘટતી સુવિધાઓ આપવા માટે જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી. કેશોદ તાલુકાના સરોડ ગામે પાણીમાં ફસાયેલા આઘેડ ને સમયસર સારવાર ન મળતાં મૃત્યુ પામેલા હતાં એ પરિવાર ની મુલાકાત ગુજરાત વિધાનસભા નાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એ લીધી હતી અને સાંત્વના આપી હતી. પાંચ પાંચ દિવસ થી પુર નાં પાણી ઉતરી જવા છતાં જવાબદાર તંત્ર દ્વારા મૃતક આઘેડ પરિવારની ખબર અંતર સુધ્ધાં ન પુછતાં સરોડ નાં રહીશો એ રોષ ઠાલવ્યો હતો. કેશોદના ઘેડ પંથકના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાનાં કાયમી ધોરણે ઉકેલ લાવવા ઓઝત નદી અને સાબળી નદી પરનાં ડેમ ની ઊંચાઈ વધારવા ઉપરાંત બામણાસા ગામે થી આગળ નાં ભાગે ઓઝત નદી અને ઉતાવળીયો નદી,ટીલોળી નદી, મધુવંતી નદી અને ઉબેણ નદી નાં વહેણમાં દબાણો દૂર કરી પહોળી અને ઉંડી કરવામાં આવે તો જ ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકી શકે એવો સુર ઘેડ પંથકના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કેશોદના ઘેડ પંથકના અમુક ખેતરોમાં પાણી ફરી વળતાં ની સાથે રેતી ઘુસી જતા ખેડૂતો બેહાલ બની ગયાં છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પંચાયત હસ્તકના તુટી ગયેલાં રસ્તાઓ વહેલાસર બનાવવામાં આવે તો વાહનચાલકો ને આવવા જવા માટે પડતી મુશ્કેલીઓ નો પણ અંત આવી શકે એમ છે. ગુજરાત વિધાનસભા નાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ધારાસભ્યો દ્વારા સરકાર સમક્ષ કેટલી અસરકારક રજૂઆત કરવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં જ ખબર પડશે. આ વર્ષે પડેલાં વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આવનારાં દિવસોમાં યોજાનારી સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી માં મહત્વનો મુદ્દો બને તો નવાઈ નહીં.