રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને ખેતીવાડી વિભાગની નવી યોજનાઓનું ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બીજ નિગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કોડીનાર, ગીરગઢડા અને ઉના કલ્સટર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી થયા હતા.
આ તકે રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના હિત માટે અનેકવિધ યોજનોઓ અમલમાં મૂકી છે. રાજ્યમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર અસરકારક કૃષિ વ્યવસ્થાપન, કૃષિ ઉત્પાદનની અનિશ્ચિતતામાં ઘટાડો થાય, કૃષિ ખર્ચમાં ધટાડો થાય અને ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે પ્રયત્નશીલ છે. ખેડૂતોની આવક બમણી કરવાના આહવાનના પ્રતિસાદરૂપે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ તેમજ અભિયાન અમલી કરાયા છે. તેમ જણાવી તેઓશ્રીએ ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. અગ્રણી ડાયાભાઈ જાલોંધરાએ ખેડૂતોને જાણકારી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની સરકાર છે. ધરતીપુત્રોને વિવિધ યોજનાનો લાભ આપવા માટે રાજ્ય સરકાર હંમેશા અગ્રેસર રહી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.વાઘમશીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અને ખેતીવાડી ક્ષેત્રે નવી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, જીવામૃત બનાવવા કીટ માટે સહાય, કિસાન પરિવહન યોજના, ખેડૂતો અને ખેત મજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર સહિતની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી ખેડૂતોને માહિતગાર કર્યા હતા.