જૂનાગઢ: કેશોદ સરકારી કચેરીઓ કોરોનાનાં ભરડામાં છતાં ધમધમાટ યથાવત..

Corona Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

અરજદારો કે કર્મચારીઓ સંક્રમણ નો ભોગ બની કોરોનાગ્રસ્ત થશે તો જવાબદારી કોની..?

કેશોદ શહેર-તાલુકામાં છેલ્લાં પચ્ચીસેક દિવસોથી અનલોક-૩ શરૂ થયાં બાદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી કાબુમાં આવવાને બદલે વકરી રહી છે અને રોજીંદા ૧૦ થી ૨૫ કેસ નોંધાઈ રહ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે એમાં અને હકીકત નાં આંકડા માં જમીન આસમાન નો ભેદ આવે છે. આરોગ્ય ની ભાષામાં અષ્ટમભષ્ટમ ભણાવી ખરી જમીની હકિકત છુપાવી પોતપોતાની કામગીરી સારી હોવાનું બહાર જાહેર કરવામાં આવે છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં લગભગ દરેક વિસ્તારોમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડા કેમ ઓછાં દર્શાવવામાં આવે છે જેથી કેશોદ આરોગ્ય વિભાગ શંકાસ્પદ હાલતમાં જણાય છે. કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ લેવામાં આવતાં પગલાં સામાન્ય વ્યક્તિ સુધી જ લાગુ કરવામાં આવે છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ની જુદી-જુદી કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યારે કચેરીમાં કામગીરી બંધ કરવાને બદલે ચાલુ જ રાખવામાં આવી છે. કેશોદ વાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે ઉપરની કમાણી બંધ થાય એ પોસાય તેમ નથી એટલે સરકાર ની ગાઈડ લાઈન માં છટકબારીઓ શોધી કાઢી છે. કેશોદ સરકારી દવાખાનામાં લેબ ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા કર્મચારી અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી ને કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે ત્યારે ચાલું ફરજ દરમ્યાન કેટલાં અરજદારો કર્મચારીઓ નાં સંપર્ક માં આવેલ હશે એ હિસ્ટ્રી જાણી સાવચેતી નાં પગલાં ભરવામાં આવ્યાં નથી. અને રાબેતા મુજબ કચેરીઓ ધમધમતી હોય ત્યારે અરજદાર કે કર્મચારીઓ સંક્રમણ નો ભોગ બને તો જવાબદારી કોની રહેશે. જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી માહિતી મુજબ ચાલવાનું હોય તો કેશોદ શહેરમાં ગલીએ ગલીએ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવા કર્મચારીઓ ને દોડાવવા ઉપરાંત ૧૪ દિવસ સુધી હોમ ગાર્ડ અને જી.આર.ડી જવાનોને સતત ૨૪ કલાક બંદોબસ્તમાં જવાબદારી સોંપવામાં આવે છે એનો શું અર્થ? કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા બાદ દર્દી ને લેબ રીપોર્ટ આપવામાં અંચાઈ કરવામાં આવે છે અને હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ હોય તો ડિસ્ચાર્જ રીપોર્ટ આપવામાં પણ અંચાઈ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા ડીસ્ચાર્જ રીપોર્ટ આપવામાં આવે છે એમાં આઠ દિવસ હોમ કોરન્ટાઇન આઠ દિવસ સ્વૈચ્છિક હોમ કવોરન્ટાઈન દર્શાવવામાં આવે છે ત્યારે ખરેખર આઠ દિવસ જ હોમ કવોરન્ટાઈન રાખવાની જોગવાઈ હોય તો ૧૪-૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગ ની આડોડાઈ ને કારણે અન્ય કચેરીઓ તેમજ દર્દી નાં પરિવારજનો અને આડોશી પાડોશીઓને હેરાનપરેશાન કરવા પાછળ નો શું હેતું હશે. ચૂંટણી કમિશનર ટી.આર.શેષાન નાં સમયથી આચારસંહિતા ની કડક અમલવારી કરાવવાં માં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ તો એનાથી બે કદમ આગળ વધી માહિતી કે વિગતો જાહેર કર્યાં વગર મનમાની ચલાવી રહ્યું છે. છેલ્લાં ૬ માસથી કોરોના મહામારી વચ્ચે સહન કરતાં પ્રજાજનો ની સહનશીલતા ની હદ પુરી થઈ ગઈ હોય એવું લાગે છે ત્યારે ક્યાંક મોટું ઘર્ષણ સર્જાય તો નવાઈ નહીં હોય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *