નર્મદા: રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાનો ૭૪ મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથકે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી. નર્મદા પોલીસ, એસ.આર.ડી. અને હોમગાર્ડઝ સહિતની પ્લાટુનો તેમજ પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે યોજાયેલા આ ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેકટરશ્રી કોઠારીએ નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે હાર્દિક શુભકામના પાઠવી હતી.

જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજી અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષો અને વીર શહીદોને શ્રધ્ધાસૂમન અર્પણ કરવાની સાથે દેશના આ સપૂતોએ તેમના જીવનની આપેલી આહૂતી અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે, તેમ જણાવી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રી કોઠારીએ શત્ શત્ વંદન કર્યા હતાં. આ તકે કોઠારીએ પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સૌના સહિયારા પ્રયાસો સહિત મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ સાર્થક બનાવવાની દિશામાં સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી કોઠારીએ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત કેન્દ્રીય નીતિ આયોગના પેરામીટર મુજબ આરોગ્ય-પોષણ, શિક્ષણ, કૃષિ અને સહકાર, કૌશલ્ય વર્ધન, ફાઇનાન્સીયલ ઇન્કલુજન અને માળખાગત સુવિધા સહિત વિકાસના દરેક ક્ષેત્રમાં નર્મદા જિલ્લો ખૂબ જ ઝડપથી આગળ વધી રહયાની સાથે તાજેતરમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મેળવીને રાષ્ટ્રીય સ્તરે જિલ્લાએ ગૌરવ વધાર્યુ છે તેમ જણાવી સરકારશ્રીના જુદા જુદા વિભાગો દ્રારા સઘન થઇ રહેલી યોજનાકીય અમલીકરણ સહિત વિશિષ્ટ અને નોંધપાત્ર કામગીરી સાથે હાંસલ કરાયેલી સિધ્ધિઓ અંગેની આંકડાકીય રૂપરેખા આપી હતી.

જિલ્લા કલેકટર કોઠારીએ પ્રવર્તમાન કોવીડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન જિલ્લા આરોગ્યતંત્ર દ્રારા થયેલી વિશેષ કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં એપ્રિલ-૨૦૨૦ થી આજદિન સુધી ૨૭૨ આરોગ્ય ટૂકડીઓ દ્રારા સર્વેલન્સની કામગીરી દરમિયાન ૫,૮૫,૪૮૩ વ્યકિતઓનું સર્વે કરીને આરોગ્ય તપાસમાં તાવ, શરદી, ખાંસી વગેરે જેવા મળી આવેલા ૨૨,૦૮૩ દરદીઓને જરૂરી સારવાર-માર્ગદર્શન ઉપરાંત ૧૪ જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૩૩,૦૯૨ ઓપીડીમાં આરોગ્ય તપાસણી દરમિયાન તાવ, શરદી, ખાંસી વગેરેના મળી આવેલાં ૩,૫૯૦ દરદીઓને સ્થળ ઉપર જ જરૂરી સારવાર પૂડી પાડવામાં આવી છે. ૪૮ હજારથી વધુ વ્યકિતઓએ આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ કરીને આરોગ્યલક્ષી સતત માર્ગદર્શન મેળવી રહયાં હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *