રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. વડોદરાના નાગરવાડાના સૈયદપુરામાં રાત્રે 17 પોઝિટિવ કેસ આવ્યા છે. કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કચ્છમાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. એક સાથે વધુ 17 પોઝિટિવ કેસ આવતા વડોદરાના નાગરવાડા વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 281 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 7, અમદાવાદમાં 8, વડોદરામાં 21, રાજકોટમાં 2 અને કચ્છમાં 2 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. અમદાવાદમાં વધુ 8 કેસ નોંધાતા હવે શહેરમાં કુલ 142 કોરોનાના દર્દી થઈ ગયા છે.
આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે
આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ચેપને હોટસ્પોટ વિસ્તારમાં જ ડામવા માટે અને એ વિસ્તારોમાં એકમાંથી બીજામાં ચેપ ન પ્રસરે એ માટે એક-એક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે કેસોમાં વધારો થઇ રહ્યો છે. અને આગામી બે-ચાર દિવસમાં પણ કેસમાં વધારો જોવા મળશે. હાલ 215 સારવાર હેઠળ છે જેમાં 212ની હાલત સ્થિર અને
3 દર્દી વેન્ટીલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 1977 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 78 પોઝિટિવ અને 1541 નેગેટિવ આવ્યા છે અને 356 રિપોર્ટ પેન્ડિગ છે. ચારેય કોવિડ હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. તેમજ 26 જિલ્લામાં ડેઝિગ્નેટેડ કોવિડો હોસ્પિટલ શરૂ કરી છે. 6000 બેડ અને 1000 વેન્ટીલેટરની પણ વ્યવસ્થા છે. ખાનગી ડોકટરોને OPD શરૂ કરવા કહ્યું છે.
90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું
સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર
રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો 1 હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર હોવા અંગે મુખ્યમંત્રી સાથેની ઉચ્ચસ્તરિય બેઠકમાં જણાવવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
રાજ્યમાં એક જ દિવસમાં 55 પોઝિટિવ કેસ
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
ગુજરાત અપડેટ
>> કચ્છના માધાપરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધની પત્ની તથા પુત્રવધૂનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
>> રાજ્યના 176 ACBના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ CID ક્રાઇમના અધિકારીઓ અને કર્મચારીઓ પણ લોકડાઉનના અમલ માટે ફરજ બજાશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
>> આજથી હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ કોવિડ-19 કોરોનાની સારવાર આપશે
>> મોડાસામાં લોકડાઉનની અમલવારી કરાવનાર એલસીબી પોલીસ જવાન પર હુમલો કરનારા પિતા-પુત્રની ધરપકડ
>> અમદાવાદમાં PPE કીટનું પૂરજોશમાં ઉત્પાદન, 100 કારીગર રોજ 3500 PPE કીટ બનાવી રહ્યા છે
>> કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા દંપતીએ પરિવાર છોડ્યો, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને ખડેપગે
>> રાજકોટમાં 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 રિપોર્ટ પેન્ડિંગ
>> ભાવનગરમાં નવા 119 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો
>> અમદાવાદના કોટ વિસ્તારમાં દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવશેઃ વિજય નહેરા
>> વડોદરાઃ નાગરવાડા બાદ તાંદલજાના વિસ્તાર ક્લસ્ટર કોરેનટાઇન, માસ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાશે
ગુજરાતમાં કુલ 279 પોઝિટિવ કેસ, 17ના મોત
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 142 | 06 | 08 |
સુરત | 24 | 04 | 05 |
વડોદરા | 39 | 02 | 06 |
ભાવનગર | 18 | 02 | 01 |
ગાંધીનગર | 13 | 00 | 02 |
રાજકોટ | 13 | 00 | 04 |
પાટણ | 12 | 01 | 00 |
પોરબંદર | 03 | 00 | 00 |
ગીર-સોમનાથ | 02 | 00 | 00 |
કચ્છ | 04 | 00 | 00 |
મહેસાણા | 02 | 00 | 00 |
છોટાઉદેપુર | 02 | 00 | 00 |
આણંદ | 02 | 00 | 00 |
મોરબી | 01 | 00 | 00 |
પંચમહાલ | 01 | 01 | 00 |
જામનગર | 01 | 01 | 00 |
સાબરકાંઠા | 01 | 00 | 00 |
દાહોદ | 01 | 00 | 00 |
કુલ આંકડો | 281 | 17 | 26 |
લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો
સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા
નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું છે.