અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન.

Amreli
રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન પવિત્ર અગિયારસ મોટીકુકાવાવ શ્રીનાથજી હવેલી ના ગ્રામજનોએ લાભ લીધો હતો

પુષ્ટિમાર્ગમાં ૧૧ ભાવની મિસરી હોય છે.

(૧) પવિત્રા અગિયારસ: પવિત્રા અગિયારસ ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રું ધરતી વખતે જે મિસરી ધરાવવામાં આવે છે તે શ્રેષ્ટ મિસરી ગણાય છે. તે સમયે શ્રીઠાકોરજી અને શ્રીમહાપ્રભુજીનું મિલન થયું. બંનેના આલિંગનથી જે અધરામૃત ઝર્યું. તે આ મિસરીનો ભાવ છે. તે સમયે શ્રીઠાકોરજી શ્રીયમુનાજી અને શ્રીમહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ગૂઢ ભાવ રહેલો છે.

(૨) પવિત્રા બારસની મિસરી: જે મિસરીનો ભોગ કટોરીમાં અગિયારસના દિવસે શ્રીઠાકોરજીને પવિત્રું ધરતી વેળાએ તેમની સમક્ષ મૂકી રાખીયે છીએ તેમ તે રાત્રે મિસરી વ્રજભક્તો શ્રીઠાકોરજી ને પવિત્રાની સાથે લેવડાવે છે. તેવો ભાવ તેમાં રહેલો છે. ત્યારબાદ પવિત્રા બારસના દિવસે ગુરુને પવિત્રુ ધરાવીને મિસરી લેવડાવવામાં આવે છે . ત્યારબાદ વૈષ્ણવોને પવિત્રુ ધરાવી મિસરી વૈષ્ણવોને લેવડાવવામાં આવે છે. તે રસાત્મક હોવાથી પ્રેમ- રસ ઉત્પન્ન કરે છે. તેથી મિસરી એક બીજા વૈષ્ણવને લેવાડાવવાથી તેમના હ્યદયમાં પ્રેમ-ભાવ પ્રગટ થાય છે. ઉપરાંત ભક્તિ માર્ગનું જ્ઞાન થાય છે.

(૩) નંદ મહોત્સવ મિસરી: નંદ મહોત્સવને દિવસે પલનામાં જે મિસરી ઉછાળવામાં આવે છે, તે યમુનાજીએ મિસરીના ભાવથી શ્રી ઠાકોરજીના રસાત્મક સ્વરૂપને ગોપીજનોને રસ તરબોળ થાય માટે પોતાનાં રસ રૂપી બિંદુઓ આપ્યા છે. તેઓ આનંદમાં આવી ને ઉછાળી બધાને રસ-રૂપ બનાવે છે. આમ લૌકિકમાં ભાવ એવો છે કે પારણામાં બધાને નંદ મહોત્સવનો આનંદ લેવા (નંદ ઘેર આનંદ ભયો) મિસરી ના રસાત્મક સરૂપને ઉછાળવામાં આવે છે.

(૪) નાથદ્વારામાં બંટામાં આઠ ગોટીના મિસરી: એક દિવસ શ્રુંગાર સમયે શ્રીગોવિંદસ્વામી શ્રીઠાકોરજી સમક્ષ કીર્તન કરતાં હતાં. ત્યારે તેમના મનમાં થોડો અહં ભાવ થયો કે હું કેટલું સુંદર કીર્તન કરું છુ. મારા જેવું કીર્તન કોઈ જ કરતુ નથી. ત્યારે ઠાકોરજીને.મનમાં થયું કે જો શ્રીગોવિંદસ્વામીને મનમાં ગર્વ થશે તો તે ભોંય પટકાશે માટે શ્રી ઠાકોરજીએ.બંટામાથી સાત મિસરીની કાંકરી ગોવિંદસ્વામી પર મારી. ત્યારે ગોવિંદસ્વામીને જ્ઞાન થયું અને તેમનો અહંભાવ છૂટી ગયો. પછી ગોવિંદસ્વામીએ સામી ઠાકોરજીને એક કાંકરી મારી અને કહ્યું કે ભગવાન્ તમારે તો મારા સિવાય બીજા સાત કીર્તનકાર હશે પણ મારે તો તમે એક જ છો. આ.ભાવથી આજે પણ શ્રીનાથજીમાં બંટામાં આઠ કાંકરી મિસરીની ધરવામાં આવે છે. જેમ અષ્ટ સખાઓએ શ્રી ઠાકોરજીની સેવામાં તરબોળ થઈ પોતાનાં આત્માને ઘસી ઘસીને સુંદર બનાવ્યો છે તેમ મિસરીના કાંકરાને ઘસી ઘસીને સુંદર બનાવવામાં આવે છે. આજે પણ જેનો રાજભોગ હોય તેમને તે મિસરી આપવામાં આવે છે.

(૫) માખણ મિસરી: માખણ-મિસરી એ પુષ્ટિમાર્ગમાં શ્રીઠાકોરજીને ધરાવામાં છપ્પનભોગ સમાન છે. તે દરરોજ શ્રીઠાકોરજી ને મંગલામાં ધરાવવું જોઈએ. માખણ રૂપી હ્યદયમાં મિસરી રૂપી રસાત્મકતાનું મિલન થાય છે તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને
યમુનાજીના રસ-રૂપી મિલનનો ભાવ છે.

(૬) સુકા મેવા-મિસરી: સુકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે મિસરી ધરાવવામાં આવે છે. કાજુ એ ચંદ્રાવલીજીના ભાવથી ધરાય છે. ખારેક કુમારિકાના ભાવથી અને દ્રાક્ષ ગોપીજનોના ભાવથી છે. કોપરું એ વ્રજભક્તોના ભાવથી છે. આમ તેમાં પાંચમી વસ્તુ મિસરી પધરાવીએ છે તે શ્રીયમુનાજીનાં ભાવની છે. શ્રીયમુનાજી નિર્ગુણ અને રસાત્મક સ્વરૂપ છે તે સ્વામીનીજી ઓનો શ્રી ઠાકોરજી સાથે મિલન કરાવી આપે છે. સુકા મેવાની મિસરી એ ઝારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સુક્ષ્મ સેવા હોય તેઓ ઝારીજી ન ભરતા હોય તો આ મિસરી એ ઝારીજીનો ભાવ દર્શાવે છે.

(૭) કોઈક સમયે ઝારીજીમાં જળની જગ્યાએ મિસરી ભરવામાં આવે છે: વૈષ્ણવ બહારગામ જતા હોય ત્યારે ઝારીજી માં જળની જગ્યાએ મિસરી ભરવામાં આવે છે. તે સાક્ષાત યમુનાજી નો ભાવ છે અને ઝારીજીના સંબંધથી તેમાં જળ સ્વરૂપનો ભાવ આવે છે. તે શ્રીયમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે.

(૮) પનાની મિસરી: શ્રીઠાકોરજીને અખાત્રીજ થી રથ-યાત્રા સુધી પનો ધરાવવામાં આવે છે. આ પનામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને તેની સાથે મિસરી પધરાવવામાં આવે છે. ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પનો ધરાવાય છે અને જેને આખા દિવસની (છ પોરની) સેવા હોય તો તેણે ઉત્થાપનમાં પનો આવે. પાનાની મિસરીમાં શીતળતા નો ગુણ રહેલો છે. જે યમુનાજીનો ભાવ છે. હૃદયની વિરહાત્મક ભાવને તે શીતળતા આપે છે.

(૯) લીમડાની કૂપળ સાથેની મિસરી: આ મિસરી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે. સંસારરૂપી કડવાસમાં યમુનાજીરૂપી મિસરીનો રસ મેળવાય છે. જેથી સંસારની કડવાસમાં પણ ભગવદ્દ નામ લઈ શકાય છે. આ મિસરી એટલે કે શ્રીયમુનાજી આપણને શ્રીઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. આમ શ્રી યમુનાજીના ભાવની મિસરી દર્શાવે છે કે કડવાસમાં પણ મીઠાશ રહેલી છે.

(૧૦) શ્રીયમુનાજીને મિસરી ભોગ: વૈષ્ણેવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર યમુનાજીને મિસરીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ છે કે શ્રીવસુદેવજી જ્યારે મથુરાથી શ્રીઠાકોરજી ને લઈને શ્રીયમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ પધરાવવા જતા હતાં ત્યારે શ્રીયમુનાજીએ તરંગો રૂપી હસ્ત-કમલ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ-કમળમાંથી જે રસાત્મક સ્વરૂપ લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું. તે ભાવથી શ્રીઠકરાણી ઘાટ પર આજે પણ વૈષ્ણવો મિસરીનો ભોગ ધારે છે.

(૧૧) જ્યારે ગ્રહણ હોય ત્યારે: ઘરના (પોતાનાં સેવ્ય-સ્વરૂપ) શ્રી ઠાકોરજીને ધરવા માટે ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે. તે સાક્ષાત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. માટે ગ્રહણ સમયે ઝારીજીમાં મિસરી પધરાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *