કોરોના વડોદરા :તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, સેનેટાઇઝની કામગીરી શરૂ, માસ સેમ્પલિંગ કરાશે

Corona Latest Madhya Gujarat

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ આરોગ્ય વિભાગ દ્વારા 15 ટીમો બનાવીને ઘરે-ઘરે જઇને તપાસ શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના લક્ષણો દેખાશે તો રિપોર્ટ કરવામાં આવશે. તાંદલજા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સેનેટાઇઝની કામગીરી શરૂ કરવામાં આવી છે અને માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે. તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને સીલ કરવામાં આવ્યા છે.

તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોનું 7 હજાર લોકોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

વડોદરાના નાગરવાડા બાદ તાંદલજા વિસ્તારને બુધવારે મોડી રાત્રે રેડ ઝોન જાહેર કરીને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના નાગરવાડા વિસ્તારના કોરોના વાઈરસ પોઝિટિવ આવેલો તબીબ સાદ શેખ તાંદળજાની મુઆવીન ટ્રસ્ટની હોસ્પિટલમાં જતો હતો. જ્યાં તેને અનેક દર્દીઓને તપાસ્યા હતા. આ માહિતી બહાર આવ્યા બાદ તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. અને આજે બીજા દિવસે તાંદલજા વિસ્તારને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાંદલજા વિસ્તારમાં રહેતા 1831 પરિવારોના 7 હજાર લોકોનું મોડી રાત્રે જ સ્ક્રિનિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજે પણ આ વિસ્તારમાં સ્ક્રિનિંગની કામગીરી ચાલી રહી છે.

તાંદલજા વિસ્તારને સીલ કરી દેવાશે

નાગરવાડા વિસ્તારના કોરોના પોઝિટિવ તબીબનું તાંદલજા કનેક્શન બહાર આવતા તાંદલજા વિસ્તારને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાંદલજાની તમામ સોસાયટીઓ અને ગલીઓને સીલ કરી દેવામાં આવશે. જેથી કરીને તાંદલજામાં કોરોના વાઈરસનો ફેલાવો અટકાવી શકાય.

વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા 18 ઉપર પહોંચી
વડોદરાના હોટસ્પોટ બની ગયેલા નાગરવાડા વિસ્તારમાં બુધવારે કોરોના વાઈરસના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો સમાવેશ થાય છે. વડોદરામાં અત્યાર સુધી કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંકડો 18 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 
કોરોના વાઈરસના કેસો વધે તેવી શક્યતા
વડોદરા શહેરના નાગરવાડાને હોટસ્પોટ જાહેર કરાયા બાદ આ વિસ્તારમાં કેસો સતત વધી રહ્યા છે. નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટવ 9 કેસો સામે આવ્યા છે. જોકે તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કર્યાં બાદ ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે કોરોના વાઈરસના કેસો વધવાની શક્યતા સેવાઇ રહી છે.

APMCમાં વેપારીઓ અને ખેડૂતોનો ધસારો
વડોદરા નજીક સયાજીપુરા ખાતે આવેલી એપીએમસીમાં વહેલી સવારે 3 વાગ્યા પછી એન્ટ્રી ન આપવાની જાહેરાત બાદ વેપારીઓ અને શાકભાજી લઇને આવતા ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો. 
પાલિકાની કચેરીમાં ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવાઈ
વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ડિસિન્ફેક્શન શાવર યુનિટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પાલિકાના કર્મચારીઓને કોરોના વાઈરસના સંક્રમણથી રક્ષિત કરવા તેમજ ઇન્ફેક્શન મુક્ત કરવાના હેતુથી ઇન્સટોલ કરવામાં આવી છે. 

પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું 
વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસકર્મીઓએ તમામ સોસાયટીઓમાં જઇને પેટ્રોલિંગ કર્યું હતું અને લોકોને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી હતી. અને બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *