રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર કંડલા હાઈવે પર પડેલા મસ મોટા ખાડાને કારણે અહીંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે . કેટલીક જગ્યાએ તો રોડ વચ્ચે પડેલા ખાડામાં વાહનો પટકાતા ટયરો ફુટવાને કારણે વાહન ચાલકોને ભારે નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે . રાધનપુર કંડલા જતો ચારમાર્ગીય હાઈવે પર શાતીધામ પુલ ઉપર બંન્ને બાજુ રોડ માં ખાડા પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જેમાં શાંતીધામ પુલ ઉતરતા રાધનપુર તરફ આવતા રોડના ડીવાયડર નજીક થી અડધા રોડ સુધી પડેલ ખાડાને કારણે વાહનો ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પુલ ઉપરથી આવતા વાહનો સ્પીડમાં હોવાને કારણે વાહન ચાલકો ખાડો દેખાય ત્યાં સુધીમાં ભારે ભરખમ સામાન ભરેલ વાહનો ખાડામાં પટકાતા વાહનના ટાયરો ફુટવાના બનાવો આમ બનવા પામ્યા છે . જયારે આ માર્ગ પરથી પસાર થતા વાહનો પાસેથી ટોલ લેવામાં આવે છે પરંતુ નહીવત વરસાદમાં હાઈવે પર પડેલા ખાડા પુરવામાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કોઈજ કામગીરી કરાવવામાં આવેલ નથી. જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શાંતીધામ પુલ ઉતરતા પડેલ ખાડાને કારણે વાહન ચાલક દ્વારા ઓવરટેક કરવા જતા ક્યારેક મોટો અકસ્માત સર્જાશે તેવુ અહીંથી પસાર થતા વાહન ચાલકોએ જણાવ્યુ હતુ . નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા રોડ પર પડેલા ખાડા તાત્કાલીક પુરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોએ કરી હતી.