સરકારે ૧ ઓગસ્ટ થી દંડની રકમ વધારવા નિર્ણય લીધો છે ત્યારે માસ્ક બનાવતી લેભાગુ કંપનીઓની સામે પણ કાર્યવાહી હાલ સીએમ રૂપાણી એ કરેલી જાહેરાત મુજબ ઓગસ્ટ મહિનાથી માસ્ક નહિ પહેરનાર કે જાહેરમાં ઘૂંકનારા પર ૨૦૦ ના બદલે ૫૦૦ નો દંડ વસુલ કરાશે તેવા સમયે રાજપીપળા શહેર સહિત રાજ્ય માં વેચાતા માસ્ક બાબતે સામાન્ય માણસો માં થતી મુંઝવણ બાબતે યોગ્ય સમજ અપાઈ તે જરૂરી બન્યું છે. વડાપ્રધાને કહેલું કે કપડાનો સાદો માસ્ક પહેરવાથી કોરોનાથી રક્ષણ મળે છે.મોં પર કોઈ પણ કપડું વીંટાળે તો ચાલે.વડાપ્રધાન કહે એ ખોટું થોડું હોય..! મોટાભાગના પુરુષોએ મોં પર હાથ રૂમાલ અને સ્ત્રીઓએ દુપટ્ટો લપેટી અમલ કર્યો.
બજારમાં મળતા કહેવાતા સાદા મેડિકલ માસ્ક પણ વાપરવા શરૂ કર્યા. અઠવાડિયા પૂર્વે નવી સલાહ આવી કે કપડાના માસ્ક કોરોના વાઈરસ સામે રક્ષણ આપતા નથી, એ માત્ર બેક્ટરિયા સામે જ રક્ષણ આપે છે. સામાન્ય લોકોએ ૩ સ્તરવાળા મેડિકલ માસ્ક પહેરવા. એન-૯૫ માસ્ક તબીબો અને મેડિકલ સ્ટાફ માટે છે. હવે ખરી મૂંઝવણ શરૂ થઈ.બજારમાં મળતા મેડિકલ માસ્કમાંથી કયા અસલ ત્રીસ્તરીય માસ્ક છે અને ક્યા લેભાગુ કમ્પનીએ બજારમાં નફોરળવા મૂક્યા છે એ સામાન્ય માણસને સમજાતું નથી. વળી,એન-૫ સિક્કો મારેલા ૪૦-૫૦ રૂ.ના વાલ્વવાળા અને વાલ્વ વગરના માસ્ક મળે છે તે પૈકી વાલ્વવાળા નહીં ચાલે એવી સૂચના આવી. હવે વાલ્વ વગરના એન-૯૫ ખરેખર અસલ છે કે એ નામે સસ્તો માલ બજારમાં પધરાવાયો છે એ સમજાતું નથી. મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા આવા માસ્ક ઉત્પાદકોને કોઈ રોકનાર નથી? કેટલાક માસ્ક પર અંગ્રેજીમાં ચતુરાઈથી લખવામાં આવે છે કે ડસ્ટ અને બેકટેરિયાથી રક્ષણ આપે છે. સામાન્ય માણસ ને બેક્ટરિયા અને વાઇરસનો તફાવત ખબર નથી, એ તો માસ્ક એટલે મોં અને નાક ઢાંકતું અને પોલીસની દંડનાત્મક કાર્યવાહીથી બચાવતું એક સાધન એટલું જ સમજે છે. આ સંજોગોમાં સામાન્ય પ્રજાએ કયો માસ્ક પહેરવો, તે ખરેખર વાઈરસ સામે રક્ષણ આપી શકે કે કેમ તેની ચકાસણી કેવી રીતે થાય એ બાબતે સરળ ભાષામાં સ્પષ્ટ સમજ આપવી જોઈએ.આરોગ્ય વિભાગ જાગશે ખરું?