રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત.લાખણી
લાખણીના છગનજી ગોળીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂની તકરારમાં ભોરડુઆ વાસના લોકોએ આ અમારા ખેતર માંથી રસ્તો પસાર થાય છે. તેમ કહી ૫૦ વર્ષ જુનો રસ્તો બંધ કરી બાવળની ડાળીઓ મૂકી દેતાં ખોલવાડિયા વાસ તરફ રહેતા ૫૦ થી વધુ કુટુંબોના લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જે બાબતે તેઓએ આગથળા પોલીસ મથક તેમજ તાલુકા પંચાયત કચેરીએ લેખિત રજૂઆત કરી હતી.
લાખણી થી જસરા રોડ ઉપર આવેલા છગનજીગોળીયા માં એક જ સમુદાયના બે અલગ અલગ વાસ આવેલા છે. જે બે સમુદાય વચ્ચે જૂની તકરારમાં ભોરડુઆ વાસના કાંતિભાઈ ભેમાભાઈએ ખોલવાડીયા વાસ જવાનો રસ્તો મારી માલિકીના ખેતરમાંથી પસાર થાય છે. તેમ કહી ૫૦ વર્ષ જૂના રસ્તા વચ્ચે કાંટા તેમજ બાવળ નાખી બંધ કરતાં ખોલવાડિયા વાસના 50 થી વધુ કુટુંબોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ લાખણી ગામમાં આવવા ત્રણ કિલોમીટર ની જગ્યાએ 10 થી વધુ કિલોમીટરનું અંતર કાપવાનો વારો આવ્યો છે. આ બાબતે ખોલવાડિયા વાસના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી આ લોકો વારંવાર રસ્તો બંધ કરી ત્યાંથી અમો ચાલીએ તો ધમકીઓ આપે છે. જેના લીધે અમારે ઘર બહાર નીકળવું ભારે થઈ ગયું છે. તેમજ આ બાબતે કેટલીય વાર સમાધાન કર્યા બાદ પણ આ જ હાલત થાય છે. જેથી અમોએ લેખિત આપી આ રસ્તા બાબતે સર્વે પણ કરાવ્યું છે. રસ્તો બંધ કરી દે તો અમારા કુટુંબીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે બાબતે અમોએ ૨૦ થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ તાલુકા પંચાયત લાખણી ખાતે રજૂઆત કરી છે અને અમોને ન્યાય અપાવશે તેવી આશા છે.