રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગ્રેડ-પે સહીત અનેક માંગણીઓને લઈને પોલીસ કર્મકારીઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે.સોશિયલ મીડિયામાં પોલિસ કર્મચારીઓએ આ માંગણીઓ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલિસ કર્મીઓ પર અમુક પ્રતિબંધ લગાવ્યા છે.ગુજરાતનું સરપંચ પરિષદ પોલીસ કર્મચારીઓની વ્હારે આવ્યું છે.ગુજરાતના સીએમ રૂપાણીને પોલિસ કર્મીઓની વિવિધ માંગણીઓ મુદ્દે રજુઆત કરી છે.
ગુજરાત સરપંચ પરિષદ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા, નર્મદા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ જિતેન્દ્ર ભીલ, ગરુડેશ્વર તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ શીતલબેન તડવી, તિલકવાડા તાલુકા સરપંચ પરિષદ પ્રમુખ અરુણભાઈ તડવી સહિતના સરપંચ અગ્રણીઓએ ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય લાભ આપવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને નિરાકરણ લાવવા રજુઆત કરી હતી.
સરપંચ પરિષદે પોતાની માંગમાં જણાવ્યું હતું કે પોલીસ યુનિયન નથી કોઈ સંગઠન નથી એમને શિસ્તમાં રહેવાનું એટલે તેઓ પોતાની કોઈ માંગ કરી શકતા નથી.ગુજરાતના એ.એસ.આઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલના ગ્રેડ-પે ૪૨૦૦, ૩૬૦૦, ૨૮૦૦ કરવામાં આવે, તમામ જુના ભથ્થામાં વધારો કરવામાં આવે.જો તેઓ ૮ કલાક કરતા વધુ સમય ફરજ પર રહે તો વધારાનું યોગ્ય વળતર આપવામાં આવે.ગુજરાત પોલીસને યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે.અન્ય જિલ્લા કે રાજ્યોમાં બંદોસ્ત માટે એમને સરકારી વાહનો સહિત અન્ય સુવિધા તેમજ ભથ્થા ડાયરેકટ એમના ખાતામાં જમા કરવામાં આવે.સસ્પેન્ડ થયેલ પોલિસ કર્મચારીને ફરજ પર પરત લેવાનો સમય નક્કી કરવામાં આવે.દર 3 વર્ષે એમને આંતરિક જિલ્લામાં જ બદલી કરવામાં આવે તથા એમની નોકરીનો સમય પૂર્ણ ન થયો હોવા છતાં કોઈ જ કારણ આપ્યા વગર એમની બદલી કરાય છે જેથી એમના પરિવારને આર્થિક-માનસિક નુકશાન થાય છે એનું નિરાકરણ લાવવામાં આવે, રજાના દિવસે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મીઓને રજાના દિવસનો પગાર ચૂકવવામાં આવે. તેવી માંગણી કરી હતી.