રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલામાં પી.જી.વી.સી.એલની કામગીરી સામે સમગ્ર શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરની એક લાખ જેટલી વસતિ છે, એક માસની અઢી કરોડની આવક છે, પરંતુ સ્ટાફ પૂરતો ભરવામા આવતો નથી. શહેરમા વીજળી અવાર નવાર ગુલ થઈ જાય છે.
શહેરમાં અવારનવાર વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ટેલીફોનથી ફરિયાદ લખાવવામા આવે તો કોઈ ફોન ઉપાડતું નથી. રાજુલા તાલુકામાં પી.જી.વી.સી.એલ તંત્ર દ્વારા સૌથી વધારે નાણા ગત વર્ષે રીપેરીંગ પાછળ વાયરીંગ, વિજપોલ કેબલ બદલવામા નાખવામા આવ્યા હતા. છતા સૌથી વધુ ફરિયાદો વીજ તંત્રની રાજુલા શહેરની છે. ગત વર્ષે પી.જી.વી.સી.એલ તંત્ર તરફથી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તે પ્રજાના પૈસાનુ પાણી થઇ ગયુ હોય તેમ આજે રાજુલા શહેરમાં ઠેરઠેર પી.જી.વી.સી.એલની ફરિયાદો ઉઠવા પામી છે.ઝડપી રિપેરિંગ કરવામાં આવતું નથી રાજુલા નગરપાલિકાના ઉપ પ્રમુખ કનુભાઈ ધાખડા કહે છે કે જો આવી જ રીતે વીજતંત્ર ફોલ્ટમા જાય અને ઝડપભેર કોઇપણ રીપેરીંગ કરવામા આવતુ નથી. ત્યારે તંત્રને શહેરીજનોનો રોષનો ભોગ બનવુ પડશે.-કનુભાઇ ધાખડા, ઉપપ્રમુખ
લોકો વીજ બિલ ભરવાનું બંધ કરશે: રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈએ જણાવ્યુ છે કે કોરોનાના કારણે લોકો ઘરમા બેસી અને દિવસો કાઢી રહ્યા છે. ત્યારે વીજ તંત્ર અવાર નવાર ફોલ્ટ જતા લોકો હવે આગામી દિવસોમાં મીટર બિલ ભરવાનુ પણ બંધ કરશે. – બકુલભાઇ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ.
અશક્ત અને વૃદ્ધને મુશ્કેલી પડે છે: જાગૃત કાર્યકર ઘનશ્યામભાઈ મશરૂએ જણાવ્યુ કે ચોમાસા અને કોરાનાને કારણે લોકો ઘરમાં હોય છે. ત્યારે વીજળી ગુલ થઇ જતી હોવાથી વૃદ્ધો બાળકો સહિત ઘરમા જ હોવાથી ભારે મુશ્કેલીમાં મુકાય છે. તેમજ લાઈટ બિલના પણ ડબલ પૈસા આવ્યા છે. ગુજરાત વિદ્યુત બોર્ડ કમાણી કરે છે છતા સુવિધા પૂરતા પ્રમાણમા આપતુ નથી. તેની તપાસ કરવા ઉર્જા મંત્રીને રજૂઆત કરી છે. આ પ્રશ્ન આ વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડીયા તથા અમરેલી જિલ્લા પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય હીરાભાઈ ઘટતુ કરાવે તેવી વેપારીઓની માંગણી છે. – ઘન્શ્યામભાઇ મશરૂ.
વધુ સ્ટાફની નિમણુંક કરો અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ જણાવ્યુ કે પીજીવીસીએલ વીજ તંત્ર અને ફરિયાદો આવી છે. તત્વ જ્યોતિ ફીડર મોટો છે. તેના બે ટુકડા કરવા તેમજ ફોલ્ટ નિવારણ ગેંગ સતત પેટ્રોલિંગ કરે અને પીજીવીસીએલ દ્વારા ફોલ્ટ નિવારણ ગેંગમાં વધુ સ્ટાફ ફાળવવા માંગણી કરી હતી.