રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ પંથકમાં કોબ્રા, ઝેરી પૈડકું, કાળોતરો, ફુરસો વગેરે અનેક પ્રકારની ખૂબ ઝેરી અને ખતરનાક પ્રજાતિની સાપોની જાતો જોવા મળે છે.આવા સર્પને અનુભવી વગર કે સેફ્ટી વગર પકડવાએ બહુ જોખમી કાર્ય છે.સતત છેલ્લાં ૨૦ થી ૨૫ વર્ષોથી ઝેરી જંતુ અને નાગ ડબ્બામાં પુરીને જંગલમાં કે નિર્જન જગ્યાએ છોડી આવતા મુકુંદભાઈ મહેતા, રાજુભાઇ ધામેચા અને કાંતિલાલ રોહિતે અત્યાર સુધીમાં આશરે ૧૪૦૦ થી પણ વધુ સર્પો પકડ્યા છે. આ ત્રણેય ગામ લોકોને સલામત અને ભયમુક્ત કરવાનું મોટું કાર્ય કરી રહ્યા છે.
અત્યારે જ્યારે ચોમાસાની સિઝનમાં વધુ પ્રમાણમાં આવા જીવો બહાર વિચરણ કરતા જોવા મળતા હોય છે ત્યારે સાપને પણ કોઈ પ્રકારની ઇજા કે નુકસાન થાય નહિ અને પકડનારની સલામતી જળવાઈ રહે અને જીવનું જોખમ રહે નહીં એવા આશયથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા વૈજ્ઞાનિક તકનીકથી બનાવેલ સ્નેક કેચર સ્ટીક આપવામાં આવી હતી.