મહીસાગર: લુણાવાડાના સોનીવાડમાં ચારેબાજુથી બંધ કરાયેલા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકતાં આધેડનો જીવ ગયો : સ્થાનિકોમાં આક્રોશ..

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

બ્લોક કરેલા રસ્તાના પતરાં અણીના સમયે ખુલી ના શકયા : સ્વજનો સામે તરફડીને જીવ ગુમાવ્યો

લુણાવાડામાં હાર્દ સમા મુખ્ય બજાર વિસ્તાર પરા બજાર, સોનીવાડ મહેતાવાડ, બેઠક મંદિર આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા આ વિસ્તારોમાં અવરજવરના તમામ રસ્તાઓ જડબેસલાક બંધ કરી પતરા અને બેરીકેડ લગાવી દીધેલા છે. ચોતરફ કિલ્લેબંધી જેવી પ્રવેશબંધીની આ કામગીરી દરમિયાન રહીશોની એક માર્ગ શરુ રાખવાની રજૂઆતને તંત્રએ અવગણી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ઉભી કરેલી અભેદ દીવાલ આધેડ માટે મૃત્યુ લઈને આવી અને ચારેબાજુથી બંધ કરાયેલા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકતાં સ્વજનો સામે તરફડીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડામાં મુખ્ય બજાર વિસ્તાર રામજીમંદિર, પરા બજાર મહાલક્ષ્મી મંદિર, પાંચ ફાનસ સુથારવાડા, બેઠક મંદિર, મહેતાવાડ વિસ્તારોમાં પ્રવેશબંધી કરવામાં આવી છે.આ વિસ્તારો બંધ કરતી વખતે રહીશોએ તંત્રને એક માર્ગ ઈમરજન્સી સેવા માટે ખુલ્લો રાખવા રજૂઆત કરી હતી જેને ધ્યાને લીધી નહોતી. બીજી તરફ સોનીવાડમાં રહેતા જયેશકુમાર કાન્તિલાલ સોની ઉ.વ. ૫૫ વર્ષને અચાનક ચક્કર આવતા પડી ગયા હતા પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરતું ચોતરફ રસ્તા બંધ હોવાના કારણે એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતી બંધ કરેલા રસ્તા ના પતરા ખોલવામાં સમય લાગ્યો પણ ઘણો લાંબો સમય બાદ એમ્બ્યુલન્સ આવી શકી હતી પરંતુ ત્યાં સુધીમાં સ્વજનો સામે તરફડી તેમણે જીવ ગુમાવી દીધો હતો.બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી. તેમનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો.આ બનાવના પગલે રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

રસ્તાઓ બંધ હોવાના કારણે ઝડપથી એમ્બ્યુલન્સ આવી શકી નહોતી.

અમારા સોનીવાડ વિસ્તારમાં ચારે તરફ રસ્તા બંધ કરી બેરીકેડ અને પતરા લગાવી દીધા છે જેના કારણે એમ્બ્યુલન્સ ઝડપથી આવી શકી નહતી. એક રસ્તો શરુ હોત તો સમયસર દવાખાને પહોંચી શકયા હોત અને જયેશભાઈનો જીવ બચી ગયો હોત-હાર્દિક ચોકસી,સ્થાનિક રહીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *