વડોદરામાં બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ગોધરાના રબ્બાની મહોલ્લાના ૭૮ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેનું ગુરુવારે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થયુ હતું.કોરોના પોઝિટિવ દર્દીને ગોધરાના બદલે વડોદરાના કબ્રસ્તાનમાં જ દફન કરવામાં આવ્યા હતા જેના પગલે કબ્રસ્તાનની આસપાસની સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો.
ગોધરામાં વેજલપુર રોડ પર આવેલા રબ્બાની મહોલ્લામાં રહેતા અબ્દુલ પટેલ (ઉ.૭૮) છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. તેમને શરદી,ખાંસી, કફ અને તાવ સહિતની સમસ્યા હતી. પરંતુ કાબુમાં નહી આવતા તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય હતા તેમ છતા તેમની તબિયતમાં કોઇ ફેર નહી પડતા બે હોસ્પિટલો બદલી હતી. અને છેલ્લે તેમને ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। ત્યાંથી તેમના સેમ્પલ ટેસ્ટ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દીનું સારવાર દરમિયાન ગુરૃવારે રાત્રે મોત થયુ હતું.
અબ્દુલ પટેલના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરાયા હોવાથી તેમના મૃતદેહને ગોધરા લઇ જવાના બદલે વડોદરામાં જ કારેલીબાગ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો જેના પગલે કબ્રસ્તાનની બાજુમાં આવેલી સોસાયટીના રહિશોએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ તેમના વિરોધને અલગણીને પોલીસ સુરક્ષા વચ્ચે દફનવિધિ પૂરી કરવામાં આવી હતી.