રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
હાલમાં ચાલતી લોકડાઉન જેવી સ્થિતિમાં ડભોઇ થી છોટાઉદેપુર રેલ્વે લાઈન છેલ્લા ચાર માસથી બંધ છે ત્યારે આ ટ્રેનો પુન: શરૂ થાય તે પહેલા રેલવે ડિવિઝન દ્વારા આ રેલ્વે લાઇન ને ઈલેક્ટ્રીફિકેશન પુર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓ ઝડપથી પહોંચી શકે એ માટે વડોદરા -ડભોઇ -કેવડિયા લાઈનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે હાલમાં જ્યારે તમામ ટ્રેનો રદ છે. ત્યારે ટ્રેનો શરૂ થાય તે પહેલા આ રેલવે લાઈનનું કામ પૂર્ણ કરવા માટે રેલવે તંત્ર દ્વારા અપાયેલા આદેશને પગલે આ બંને લાઈનો ના કામ રેલવે તંત્ર દ્વારા અગ્રિમતા ના ધોરણે ચાલી રહી છે. ગાયકવાડી શાસન સમયથી ડભોઈ નેરોગેજ રેલવે નું એશિયાનું સૌથી મોટું જંકશન હતું. ત્યારે હાલમાં ચાલી રહેલા કામો ડભોઇ ને ફરીથી એક નવું સ્થાન આપશે તેવી આશા લોકોમાં ઊભી થવા પામી છે .રેલવે તંત્ર દ્વારા ડભોઇ ના રેલવે સ્ટેશનનું નવીનીકરણ નું કામ પણ પૂર્ણતાને આરે આવેલું છે જેથી રેલવે તંત્ર દ્વારા ડભોઇ આસપાસના વિસ્તારને વિકાસનો વેગ મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડભોઇ માં આવેલુ રેલવે સ્ટેશન ગીચ વિસ્તારમાં આવેલું છે ત્યારે રેલવે સ્ટેશનને જોડતા રસ્તાઓ સારા અને સુઘડ બને તેવી આશા લોકો રાખી રહ્યા છે .હાલમાં રેલવે સ્ટેશનને જોડતા રસ્તાઓ ખખડધજ હાલતમાં છે ત્યારે રેલવે સ્ટેશન પુનઃ ધમધમતું થાય અને પ્રજાજનો સરળતાથી ઝડપથી રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આગામી સમયમાં રસ્તાઓના કામ પણ ઝડપથી શરૂ થાય તેવી આશા પ્રજાજનો રાખી રહ્યા છે.