રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા સરકારે એ જ વિસ્તારમાં ઘણાં પ્રોજેક્ટો હાથ ધર્યા, ઘણાં ખરા પ્રોજેક્ટો પૂર્ણ પણ થયાં, ઘણાં હજુ અધૂરા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આસપાસનાં ગામોની શકલ સરકારે બદલી નાખી. પ્રથમ વખત કોઈ પ્રવાસી આવે તો એમ લાગે કે જાણે મેગા સીટીમાં ફરીએ છીએ. રંગબેરંગી રોશનીને લીધે રાત્રીનો નજારો જ કંઈક અલગ દેખાય છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ગામમાં હજી પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને અડીને આવેલા કેવડીયા અને અન્ય ગામોની ચર્ચા પણ અહીંયા વાત છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બિલકુલ નજીકનાં જ વાવડી ગામની વાવડી ગામનાં ખેડૂતો હાલ જીવનાં જોખમે ખેતી કરી રહ્યાં છે તો સાથે-સાથે એ ગામમાં વીજળીનાં પણ એટલાં જ વધારે ધાંધીયા પણ છે. જ્યોતિ ગ્રામ યોજના હેઠળ ખેતી વિષયક વીજ પુરવઠો રેગ્યુલર મળતો ન હોવાની લેખિત ફરિયાદ એ ગામનાં સરપંચે રાજપીપળા ડી.જી.વી.સી.એલ નાં નાયબ ઈજનેરને કરી હતી. જે ફરિયાદ બાબતે અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી ન કરાઈ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. ગામ લોકોએ કહ્યું કે જ્યોતિગ્રામ યોજના હેઠળનાં વીજ થાંભલા અને વાયરો નીચે લબડી પડ્યાં છે.
વાયરોમાં વેલા ભરાયા હોવાંથી વરસાદને લીધે વીજ કરંટ વેલા મારફતે નીચે ઉતરે તો મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ રહેલી છે અને જો ફોલ્ટ થાય તો આગળનાં દિવસનો વીજ પુરવઠો અમને મળતો જ નથી. અનિયમિત વીજ પુરવઠાને લીધે અંધારું હોવાથી ખેતરોમાં જંગલી જાનવરો આવી જવાનો ભય અમને ઘણી વાર સતાવે છે. આ તમામ મામલે અમે અગાઉ ઘણી વાર રજૂઆત કરી છતાં કઈ નિરાકરણ આવ્યું નથી.