બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૨૮ ગામોના કુલ- ૧૮૭૩ ઘરોને આવરી લેતી રૂ.૪૮૨.૮૪ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામિણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉક્ત બેઠકમાં મંજૂર કરાયેલી પીવાના પાણીની પેયજળ યોજનામાં જિલ્લાના સાગબારા તાલુકાના નાની મોગરી, પાડા, નાલાકુંડ, કુંવરખાડી, મોટી મોગરી,ગરૂડેશ્વર તાલુકાના કુંભીયા, વાલપોર, વેલછંડી, ધામદરા, જુનવદ, નાના ઝુંડા,ડેડીયાપાડા તાલુકાના ગોલવાણ, આંબાદેવી સીયાલી, બરસાણ, રેલ્વા, મોસ્કુવા, કાબરી પઠાર, તિલકવાડા તાલુકાના સુરજીપુરા,કાટકોઇ, કંથરપુરા, અલવા અને નાંદોદ તાલુકાના જુના રાજુવાડીયા, ધમણાચા, થરી, હાંડી, ધોચકી, છટવાડા, દઢવાડા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના ઉપાધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલિયમ,જિલ્લા આયોજન અધિકાર મકવાણા, પ્રાયોજના વહીવટદાર બી. કે. પટેલ, સમિતિના સભ્ય સચિવ અને જિલ્લાના કાર્યપાલક ઈજનેર વિનોદ પી પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલ, જિલ્લાના પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર આર.એ.પટેલ, સિંચાઇ વિભાગ, ઉપરાંત વાસ્મોના જિલ્લા કો-ઓર્ડીનેટર તથા વાસ્મોના અન્ય પ્રતિનિધિઓ સહિત વગેરે વિભાગના સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી દ્વારા જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત પેયજળ યોજના ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવાનો અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કોઠારીએ કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી યોજનાની તાલુકા મુજબ સમીક્ષા કરાઇ હતી તથા ૧૦૦ % નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા હિમાયત કરી હતી.