કોરોના વાઇરસના કારણે સરકારએ સમગ્ર ભારત લોકડાઉન કર્યું છે. વડાપ્રધાને 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રોજગાર ધંધા બંધ થયા છે. રોજગાર બંધ થતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. રાજ્ય સરકારે આજથી એટલે 1લી એપ્રિલથી રાજ્યના રાશનકાર્ડ ધારક 66 લાખ પરિવારોને મફતમાં અનાજ કીટ વિતરણ કરવાની શરૂઆત કરી છે. તેમજ જે લોકો રોજીરોટી અર્થે ગુજરાત આવ્યા છે. તેવા પરિવારને પણ 4 એપ્રિલથી મફતમાં અનાજ વિતરણ કરવામાં આવનારું છે. આજથી અનાજ વિતરણની શરૂઆત કરવામાં આવતા જ વહેલી સવારથી સસ્તા અનાજની દુકાન બહાર લોકોની લાંબી લાઈનો લાગી ગઇ છે. લોકડાઉન કરવાનો હેતુ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો હતો અને અનાજ લેવા માટે આવેલા લોકોમાં પણ એ અંગે જાગૃકતા જોવા મળી. આણંદ, ભાવનગર અને છોટા ઉદેપુર જેવા શહેરોમાં કુંડાળા કરીને લોકો અનાજ લેવા લાઈનમાં ઉભા છે અને સોશિયલ ડિસ્ટન્સને પાળી રહ્યાં છે. તો વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના બદલે ટોળે ટોળા એકઠાં થયા છે.