રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોનાનો કેહેર દિવસે દિવસે નર્મદા જિલ્લામાં વધી રહ્યો છે.રાજપીપળા કોરોનાનું નવું હોટ સ્પોટ બન્યું છે.રાજપીપળા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો કાછીયાવાડ વિસ્તારમાં સામે આવ્યા છે.જો કે તંત્ર દ્વારા શહેરના મુખ્યબજારને જોડતી તમામ ગલીઓ શીલ કરી છે, સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી બહાર કોઈ વ્યક્તિને ન જવા કે અંદર કોઈ વ્યક્તિને પ્રવેશવા દેવાની સખત સૂચનાઓ અપાઈ છે. એક તરફ તંત્ર કોરોના પર કાબુ મેળવવા દિવસ રાત એક કરી રહી છે તો બીજે બાજુ પ્રજા સરકારના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી રહી છે, એનું જ પરિણામ છે કે રાજપીપળા શહેરમાં કોરોના બે કાબુ બન્યો છે.એકા એક રાજપીપળા શહેરમાં કોરોનાના વધુ કેસો સામે આવ્યા છે ત્યારે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના પ્રમુખ તેજશભાઈ ગાંધી, ઉરેશભાઈ પરીખ, ગુંજન મલાવીયા, કેયુર ગાંધી, કૌશલ કાપડિયા, જયદીપ પાઠક, બિનીત શાહ શૈલેષ પારેખે મળસ્કે ૪ વાગ્યાથી ઉકાળો બનાવવાનું શરૂ કરી રાજપીપળાના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં વિતરણ શરૂ કર્યું છે.તો બીજી બાજુ કાછીયા સમાજ અને આયુર્વેદિક ડો.નેહા પરમાર દ્વારા ડોર ટૂ ડોર લોકોને ઉકાળો અને આયુર્વેદિક ગોળીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ આયુર્વેદિક ટેબ્લેટ (ગળો) સમાજના દરેક ઘરે વિતરણ કરવા માટે સ્વ.લલ્લુભાઇ ધનજીભાઈ ગાંધી ટ્રસ્ટ (અમેરિકા) તરફથી તેઓના સંપૂર્ણ ખર્ચે મહેશભાઈ દલાલના સહયોગથી કરવામાં આવ્યું હતું.આ વિતરણમાં કાછીયા સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર કાછીયા, મંત્રી હિતેશ પટેલ, પીયૂસભાઈ પટેલ દ્વારા ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે બે દિવસથી સતત આયુર્વેદિક દવાના સેવન થતા કાછીયાવાડ વિસ્તારમાં કેસોમાં ઘટાડો પણ નોંધાયો છે.આયુર્વેદિક ડો.નેહા પરમારે જણાવ્યું હતું કે શરીરમાં રહેલ ઝીણો તાવ, શરદીને મટાવામાં ગળો ઉપયોગી રહે છે, સતત ૫ દિવસ ઉકાળાના સેવન કરવાથી શરીરમાં રહેલ અનેક રોગો મટી શકે છે.
રાજપીપળામાં બજારો જ્યારે ખુલ્લા રહે છે એ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું બિલકુલ પાલન થતું નથી, સાથે સાથે અમુક દુકાનદારો-વેપારીઓ માસ્ક વગર ધંધો કરતા હોવાની બુમો ઉઠી છે.એ જોતા હવે માસ્ક ન પહેરવા બદલ તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનાર સામે તંત્રએ દંડની રકમમાં વધારો કરવાની તથા રાજપીપળા શહેરમાં ૫ દિવસ ચુસ્ત લોકડાઉનની માંગ ઉઠી છે.આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો સદંતર બંધ, સરકારી બસો જિલ્લા બહાર ન જાય તથા નર્મદા જિલ્લાની બોર્ડરો બંધ કરી ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાય એવી જિલ્લા વાસીઓ માંગ કરી રહ્યા છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર તો કોરોના કાબુમાં લેવા પ્રયત્નો કરે જ છે પણ સાથે સાથે પ્રજા પણ એમાં સાથ આપે એ જરૂરી થઈ પડ્યું છે.