પંચમહાલ: કોરોનાની મહામારીમાં આ વર્ષે ગણેશોત્સવ પર વિસર્જન,શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં.

Corona Latest Panchmahal

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનલોક-૦૨ માં જાહેર કાર્યક્રમો તથા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી કરી શકાશે નહીં. જિલ્લામાં ૩૫૦ કરતા વધુ કોરોના સંક્રમણના કેસો નોંધાયા છે ત્યારે અગમચેતી ના ભાગરૂપે સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું અનિવાર્ય બન્યું છે તેમ જણાવતા કલેક્ટરએ કોરોના આફતના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ગણેશોત્સવ પોતાના પરિવારજનો સાથે ઘરે જ ઉજવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરેલ નિયમો અનુસાર વિસર્જન માટે શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં. ભાવિકજનોને પોતાના ઘરે જ ગણેશ સ્થાપના અને વિસર્જન કરવા જિલ્લા સમાહર્તાએ અનુરોધ કર્યો હતો. આ બાબતે સામાન્યજનોને પણ જાગૃત કરી તેમને સંક્રમણ સામે સુરક્ષિત કરવા તેમજ કોરોના સામે સરકારની લડતમાં યોગદાન આપવા કલેક્ટરશ્રી અરોરાએ ઉપસ્થિત પ્રતિનિધીઓને અપીલ કરી હતી.

કોરોના કટોકટીના સંદર્ભમાં સરકાર દ્વારા અનલોક-૦૨ની ગાઈડલાઈન પ્રમાણે સંક્રમણનું જોખમ ટાળવા દરેક પ્રકારના મેળાવડાઓના આયોજન પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ત્યારે અનલોક માં છૂટછાટ મળતા કોરોનાના સંક્રમણનું જોખમ વધ્યું છે ત્યારે સરકારના આદેશ પ્રમાણે ઉત્સવોની જાહેર ઉજવણી કરી શકાય તેમ નથી તેમ જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલે જણાવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી મહેન્દ્ર નલવાયા, પ્રાંત અધિકારી ગોધરા, નાયબ પોલિસ અધિક્ષક સહિતના અધિકારીઓ અને વિવિધ ગણેશમંડળોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *