રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ગામે અનુ.જાતિના સ્મશાન સુધી પહોંચવા માટે ટ્રેક્ટરમાં બેસીને તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો પહોંચ્યા હતા.
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અતિ પછાત નળકાંઠા વિસ્તારમાં આવેલા થુલેટા ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં અનેક સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જેમાં એક મુખ્ય સમસ્યા અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત કફોડી જોવા મળે છે. અનુસૂચિત જાતિના સ્મશાનમાં એક પણ રૂપિયાના વિકાસ નું કામ થયું નથી. તેમજ અનુસૂચિત જાતિના મરણ પ્રસંગે સ્મશાન સુધી જવાના રસ્તા ઉપર દબાણ,ગાંડા બાવળના ઝુંડ અને હાલમાં ચોમાસાની ઋતુ હોય વરસાદી પાણીનો ભરાવો અને કાદવ કીચડની મુખ્ય સમસ્યાને લઈ મરણ પ્રસંગે ખુબજ હાલાકી નો સામનો કરવો પડે છે. જેને લઈને અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળે છે.
થુલેટા ગામે અનુસૂચિત જાતિની સમસ્યાઓને લઈને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, હરેશ રત્નોતર, નવઘણ પરમાર, રાકેશ સોલંકી સહિતના આગેવાનોએ જાત તપાસ કરીને તેનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજુ કરવામાં આવ્યો હતો. જેને લઇને ગામની સમસ્યાની જાત તપાસ કરવા વિરમગામ તાલુકા વિકાસ અધિકારી અને કિરીટ રાઠોડ (સંયોજક.દલિત અધિકાર મંચ) દ્વારા સંયુક્ત વિઝીટ કરવામાં આવી હતી. ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થાનિક અગ્રણી નાનજીભાઈ રાવત, ભરતભાઇ રાવત, મુકેશભાઈ રાવત સહિતના લોકોની રજૂઆતો સાંભળી હતી
આ સમયે ગામના સરપંચ પણ હાજર હતા. ચાલુ વરસાદમાં સ્મશાન સુધી પહોંચવા ટ્રેક્ટરનો સહારો લઈ તાલુકા વિકાસ અધિકારી સ્મશાન સુધી પહોંચ્યા હતા અને જાત તપાસ કર્યા બાદ સમસ્યા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સરપંચ અને તલાટી કમ મંત્રીને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. અમારા થુલેટા ગામના અનુસૂચિત જાતિના ની સમસ્યા અંગે મદદ કરવા બદલ અમો વસ્તી પંચ તરફથી દલિત અધિકાર મંચ ના સંયોજક કિરીટ રાઠોડ અને તેમની ટીમના સભ્યો તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ સરપંચ અને મીડિયા ના પત્રકાર મિત્રો નો જાહેર આભાર વ્યક્ત કરીએ છીએ.