રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોનાનો કેહેર દિવસે દિવસે વધી રહ્યો છે. નેતાઓ અને અધિકારીઓ કોરોનાનો શિકાર બન્યાં છે. ગુજરાત કોંગ્રેસનાં ઘણા ધારાસભ્યો અને સંગઠનનાં નેતાઓ કોરોનાની લપેટમાં આવ્યાં છે. ત્યારે તાજેતરમાં ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. જો કે એમનો કોરોનાનો રિપોર્ટ હાલ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાની છેલ્લાં ૩-૪ દિવસથી તાવ અને ઉધરસની ફરિયાદ હતી. રાજપીપળા અર્બન સેન્ટરમાં એમનો રિપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરાવતા એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં એમને તાત્કાલિક રાજપીપળા કોવિડ કેર સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા છે. હાલમાં એમની તબિયત સુધારા પર છે. તબીબોએ એમની તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ લોકડાઉન દરમિયાન સેવાકીય કાર્યો કર્યા હતાં. હાલમાં જ તેઓ પ્રદેશ કોંગ્રેસની ટ્રેનિંગ અર્થે પણ ગયા હતાં. સાથે-સાથે સંગઠનનાં વિવિધ કામ અર્થે તેઓ અવારનવાર ગુજરાતનાં વિવિધ જિલ્લાઓનાં પ્રવાસ અર્થે પણ જતા હતાં. કદાચ એ પ્રવાસ દરમિયાન તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે એવું માનવામાં આવી રહ્યું છે. હાલ તો એમની સારવાર ચાલી રહી છે પરંતુ તેઓ જલ્દી સાજા થઈ જાય એવી એમનાં સમર્થકોએ પ્રાર્થના કરી રહ્યાં છે.