રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર છેલ્લા બે વર્ષથી દર્દીઓને દવા આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી પોલીસે આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. રાજકોટના ગુલાબનગર શેરી નંબર ૨ માં નકલી ડૉકટર ‘ઓમ ક્લિનિક’ના નામથી દવાખાનું ચલાવી રહ્યો હતો. આ નકલી ડૉક્ટર એટલે કે બદરીભાઈ સૂર્યવંશી પોતાના ક્લિનિકમાં આવતા દર્દીઓને દવા આપતો હતો. બદરીભાઈ નામના આ નકલી ડૉક્ટર પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી નથી છતાં પણ હૉસ્પિટલ ચલાવી રહ્યો હતો. નકલી ડૉક્ટરના ક્લિનિકમાંથી પોલીસે હૉસ્પિટલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન અને ગ્લુકોઝના બાટલાઓ પણ જપ્ત કર્યા છે.
પોલીસે નકલી ડૉક્ટરના ક્લિનિકમાંથી ૮ હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે નકલી ડૉક્ટરની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ નકલી ડૉક્ટર કોઈ મેડિકલ ડિગ્રી ધરાવતો નથી. નકલી ડૉક્ટરે બી.એસ.સી સુધીનો જ અભ્યાસ કર્યો છે અને બાદમાં સેનેટરીનો કોર્સ કર્યો હતો તેમજ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર ક્લિનિક ખોલ્યું હતું.