રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે
નર્મદા જિલ્લામાં લોકલ સંક્રમણ શરૂ થતા રોજે રોજ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.નર્મદા જિલ્લામાં હાલ ૨૨ એક્ટિવ કેસ છે જે હાલ સારવાર લઈ રહયા છે.ત્યારે શુક્રવારે રાજપીપળા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ સોલંકીના પત્ની ૬૦ વર્ષીય બાનૂબીબી યુસુફભાઇ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો આમ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૨૪ પર પહોંચ્યો છે, અત્યાર સુધી ૧૦૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે અને વધુ ૩ દર્દીઓ આજે સાજા થતા ઘરે રજા આપવામાં આવી છે.ગત રોજ ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા જેમાં ૧૫ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જયારે ૧૬ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
તો બીજી બાજુ રાજપીપળા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પાલન કરતું નથી એવી ફરિયાદો ઉઠી છે.રાજપીપળામાં કોરોનાના કેસો વધુ આવતા હોવાથી રાજપીપળાનું શાકમાર્કેટ ૧૯/૭/૨૦૨૦ થી ૨૨/૭/૨૦૨૦ સુધી બંધ રાખવાનો રાજપીપળા શાકમાર્કેટ સોસિએશને નિર્ણય કર્યો છે.રાજપીપળાના વેપારીઓના ૨ વાગ્યા બાદ બજારો બંધ કરવાના નિર્ણય બાદ શાકમાર્કેટ એસોસિએશનના આ નિર્ણયની તંત્રએ સરાહના કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં આરોગ્ય વિભાગ દ્વારા એન્ટીજન કોવિડ ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવે છે, એ ટેસ્ટમાં જે પોઝિટિવ આવે છે એમને આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ગણી ફેસિલિટી કવોરન્ટાઇનમાં લઈ જવાય છે.એવા લોકોનો એસ.એ.આર.એસ. ટેસ્ટ કરાવાય છે એમાં જો તેઓ પોઝિટિવ આવે તો જ એમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાય છે.પણ એન્ટીજન કોવિડ ટેસ્ટમાં જે પોઝિટિવ આવે તેઓને કોરોના પોઝિટિવ ગણી સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવાઈ રહી હોવાથી શહેરના લોકોમાં એક દેહસત ફેલાઈ છે.જો કે આવી અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ તંત્ર ટૂંક સમયમાં જ કાયદેસરની કાર્યવાહી કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.