નર્મદા: જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોમાંથી અનાજ લોકોને સમયસર મળી રહે તે માટે પુરતી તકેદારી સાથે જરૂરી કાળજી રાખવા અને જરૂર જણાય ત્યાં તેની જરૂરી ચકાસણી કરવાં, સસ્તા અનાજની દુકાનો પર આવતા તમામ લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ પણ જળવાઇ રહે તેની જરૂરી ચોક્કસાઇ તકેદારી રાખવા ભાર પૂર્વક જણાવ્યું હતું.

કલેક્ટર કોઠારીએ જિલ્લા-તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડની ચર્ચાની સાથે ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવાની સાથે દુકાનોમાં કોઇપણ જગ્યાએ વાસી ખોરાક કે ભેળસેળવાળો જથ્થો જણાય તો તેનો સત્વરે નાશ કરવા સાથે નિયમાનુસારની જરૂરી કાર્યવાહી કરવાની સુચના પણ તેમણે આપી હતી. આ બેઠકમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી તરફથી કરાયેલી રજુઆત સંદર્ભે પણ ઘટતી કાર્યવાહી સાથે તેનો નિકાલ કરવાની સુચના અપાઇ હતી.

જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણે માહે. એપ્રિલ થી જુલાઇ, ૨૦૨૦ માસ દરમિયાનની રાજ્ય સરકારશ્રી દ્વારા એન.એસ.એફ.એ, નોન એન.એસ.એફ.એ બી.પી.એલ ના જિલ્લાના કાર્ડધારકોને આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ કામગીરીની વિગતો સમિતી સમક્ષ રજુ કરી હતી. વધુમાં માહે. જુનના ૨૦૨૦ દરમિયાનનું રેગ્યુલર વિતરણ અંગે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ માહે. નવેમ્બર,૨૦૨૦ સુધી વિના મુલ્યે અનાજ વિતરણ સંદર્ભે સરકારશ્રીની જાહેરાત મુજબ થનાર વિતરણ અંગેની ચર્ચા-વિચારણા સાથે જરૂરી સમીક્ષા કરાઇ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ સહિત જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોના ડીલર્સના પ્રતિનિધિ, જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ, જિલ્લા તોલમાપ કચેરીના પ્રતિનિધિ, વેપારી મંડળના પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *