રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્ન
જૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે-મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું ખાતમુહૂર્ત ઇ-તકતીના માઘ્યમથી કર્યુ હતુ. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.૪૪.૪૬ કરોડના ખર્ચે હાથ ધરાનાર ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશન કામગીરીનુ ઇ-તકતીના માઘ્યમથી ખાતમુહૂર્ત કર્યુ હતું. ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ઉપરકોટનો કિલ્લો ઐતિહાસીક વિરાસત છે. આ કિલ્લાનું ફરી સંવર્ઘન, સંરક્ષણ કરી પુનરોત્થાન થશે.
મુખ્યમંત્રીએ કોરોના મહામારી નો જંગ ગુજરાત જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી કહ્યું કે વિકાસની રફતાર રૂકશે નહીં ઝુકશે નહી. જૂનાગઢના ઐતિહાસિક સ્મારકો, ગિરનાર, સાસણ, ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે અને મોટું ટુરીઝમ હબ બનશે.
મુખ્યમંત્રીએ ટુરીઝમ સૌથી વધુ રોજગારી આપતું સેક્ટર છે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ટુરિઝમમાં ખાસ્સો વધારો થયો છે, ઉપરાંત ગીરનાર રોપ-વે ટૂંક સમયમાં ચાલુ થશે. રોપ-વે ચાલુ થતા ટુરીઝમનો વિકાસ થશે. આ તમામ બાબતોને સાંકળી ને ટુરિઝમના વિકાસ માટે આપણે આગળ વધી રહ્યા છીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-તકતીના માધ્યમથી ખાતમુહુર્ત કર્યું તે પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઈ ઠાકોર મંત્રી વિભાવરીબેન દવે મંત્રી વાસણભાઇ આહિર સહિતના ટુરિઝમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે જૂનાગઢ ઉપરકોટ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કોર્પોરેટર શશીકાંતભાઇ ભીમાણી જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ટુરીઝમ નિગમના એન્જિનિયર શ્યામલ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ સહભાગી થયા હતા.
ઉપરકોટ કિલ્લો ફરી ધારણ કરશે પ્રાચીન ભવ્યતા
સરકાર દ્વારા ઉપરકોટ કિલ્લા ના રિસ્ટોરેશન માટે રૂ. ૪૪.૪૬ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કામગીરી આગામી ૧૮ મહિનામાં પૂરી થનાર છે. રિસ્ટોરેશનની ફિલોસોફી મુજબ જે તે સાઇટ સ્મારકની પ્રાચીન ભવ્યતા પાછી લાવવામાં આવે છે. એમાં કોઈ નવી કે વધારાની કામગીરી ન કરવાની હોય તેમજ આ કામગીરી વખતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના માપદંડ અનુસરવાના હોય છે.ઉપરકોટ કિલ્લાના મજબૂતીકરણ માટે પથ્થરની ભૂકી, ડોલોમાઈટ,લાઈમ,રેતી તેમજ ગોળનું પાણી,અડદના પાણીનો ઉપયોગ થશે.આ મટીરીયલના ઉપયોગ થી સમય જતા મજબૂતાઈ વધે છે. તેમજ તુટેલા સ્ટ્રકચર પહેલા જેવા જ બનાવવામાં આવશે. ઉપરાંત ઉપરકોટ કિલ્લાની ફરતે ૨.૫ કિલોમીટરનો વોકવે બનાવાશે. આ વોક વે પરથી ગિરનારનો અદભુત નજારો જોઇ શકાશે.