બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોઇનાં પણ ઘરમાં મચ્છરના પોળા જણાશે તો તાત્કાલિક ૨૦૦ દંડ થશે
નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યાં છે. કેવડિયા એસ.આર.પી કેમ્પમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો એવી જ સ્થિતિ હાલ નર્મદા જિલ્લા અને ખાસ કરીને રાજપીપળા શહેરની છે. નર્મદા કલેકટર મનોજ કોઠારીએ તાબડતોડ જિલ્લાનાં તમામ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અધિક સચિવ ડો. નીલમ પટેલ, જિલ્લા કલેકટર મનોજ કોઠારી સહિત પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. એ બેઠકમાં અધિકારીઓએ કોરોના સામે એક નવો એક્શન પ્લાન બનાવ્યો હતો.
કોરોનાના આટલા કેસો હોવા છતાં નર્મદા જિલ્લાના લોકો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવતા નથી. અમુક લોકો ફક્ત માસ્ક લટકાવી જ રાખે છે, તો હવે પછી જો પૂરેપૂરું માસ્ક (એટલે કે નાક પણ ઢંકાયેલું હોવું જોઈએ) નહીં પહેર્યું હોય એને પણ દંડ કરવામાં આવશે, દંડની રકમ પણ વધારવાની વિચારણાઓ ચાલી રહી છે. જે વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવ્યાં છે એ વિસ્તારનાં લોકોએ પોતાની લક્ષ્મણ રેખા બાંધવી પડશે, જો તેઓ લક્ષમણ રેખા ઓળંગશે તો કોરોના નામનો રાક્ષસ એમને ભરખી જશે.
જે-જે વિસ્તારમાં કોરોનાના કેસો આવેલા છે એ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. નર્મદા જિલ્લા એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. આર. એસ. કશ્યપનાં જણાવ્યાં મુજબ એ વિસ્તારમાં સતત ૧૪ દિવસ અને જો જરૂર પડે તો ૨૮ દિવસ સુધી આરોગ્ય ટીમો સર્વે કરશે અને જે વ્યક્તિને શરદી, ખાંસી, તાવ સહીત અન્ય લક્ષણો દેખાશે એને સ્થળ પર ટેસ્ટ કરવામાં આવશે.
રાજપીપળામાં ૧૦૦ અને કોવિડ હોસ્પિટલ પર ૫૦ અને અન્ય તાલુકામાં ૧૦૦ મળી રોજનાં કુલ ૨૫૦ લોકોનાં સેમ્પલો લેવાનો લક્ષ્યાંક અપાયો છે. કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં ઘરે ઘરે સર્વે અને સેનેટાઇઝિંગ સહિતની કામગીરી કરાશે. ચોમાસાની સિઝન છે તો મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે ત્યારે જો કોઇના પણ ઘરમાં મચ્છરના પોળા જણાશે તો એ વ્યક્તિને ૨૦૦ રૂપિયા તાત્કાલિક દંડ ભરવો પડશે, મચ્છરજન્ય રોગથી બચવા પોતે જ પોતાના ઘરની સફાઈ રાખવી પડશે.
છેલ્લાં ૧ મહિનામાં નર્મદા જિલ્લામાં જેટલા પણ કોરોનાના કેસો સામે આવ્યા છે એ અંકલેશ્વરથી ગરુડેશ્વર તાલુકાની વચ્ચેના લોકો જ છે. જેથી રાજપીપળા સહિતના વિસ્તારમાં સુરતના કોઈક વ્યક્તિનો ચેપ લાગ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આમ જોવા જઈએ તો કોરોના દર્દીના સંપર્કમાં આવ્યાં બાદ અથવા જ્યાં કોરોના વધુ ફેલાયો છે એવાં વિસ્તારમાંથી આવ્યા બાદ ૧૪ દિવસ દરમિયાન વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે જ્યારે હાલમાં ફક્ત ૭ દિવસમાં જ કોરોનાના લક્ષણો રાજપીપળાના લોકોમાં દેખાઈ રહ્યાં છે. વ્યક્તિ ૭ દિવસમાં કોરોના પોઝિટિવ આવતો હોવાનું સુરતમાં આરોગ્ય વિભાગે તારણ કાઢ્યું હતું, તો આ જોતા રાજપીપળામાં સુરતના અથવા સુરતથી રાજપીપળા આવેલા કોઈક વ્યક્તિએ સંક્રમણ ફેલાવ્યું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સુરત જેવી અને કેવડિયા એસ.આર.પી કેમ્પ જેવી કપરી સ્થિતિ જો સર્જાશે તો એવી સ્થિતિને પણ પહોંચી વળવા નર્મદા જિલ્લો સક્ષમ છે.