રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
મોરવા હડફ તાલુકા મથક ખાતે આવેલ ફરસાણની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન ન થતુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.ફૂડ વિભાગ સહિતના તંત્ર દ્વારા ફરસાણની દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
કોરોના કહેર વચ્ચે મોરવા હડફ તાલુકા મથક ખાતે કરીયાણા સહિતની અન્ય દુકાનો માં ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હોય છે. જ્યારે તાલુકા મથક ખાતે આવેલ અમુક ફરસાણની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનુ પાલન થઈ રહયુ નથી. ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગના કરવામાં ના આવતુ હોવાના કારણે એક ના એક તેલમાં કચોરી – સમોસા સહિત નો નાસ્તો બનાવવામાં આવી રહયો છે.ત્યારે ફૂડ વિભાગ સહિતના તંત્ર દ્વારા કોરોના કહેર વચ્ચે પ્રજાજનોના હિત માટે ઓચિંતી તપાસ ફરસાણની દુકાનોમાં હાથ ધરી ને કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિને દેખતા લાગી રહયુ છે. અને બજારોમાં અમુક લોકો માસ્ક ફરજિયાત હોવા છતાં માસ્ક ના પહેરીને ફરતા જોવા મળી રહયા છે. મોરવા હડફ તાલુકામાં કોરોનાની સંખ્યા એકદમ ઓછી છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કોરોના નું સંક્રમણ વધે નહીં તે માટે અસરકારક કાર્યવાહી હાથ ધરી નિયમોનુ પાલન કરાવે તે પણ જરૂરી છે.