કોરોના વાઇરસના ચેપને ફેલાતો રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરાના તમામ ઘરોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. આ ત્રણ દિવસમાં 363 727 કુટુંબોનો સર્વે કરી 1437 792 લોકોનું સ્ક્રિનિંગ કર્યુ હતું. જેમાં તાવના 892 કફના 1830 અને શ્વાસની તકલીફના 17 વ્યક્તિ મળ્યા હતા.
આ ઉપરાંત વિદેશની અને સ્થાનિક યાત્રા કરી હોય તેવા લોકો પણ મળી આવ્યા હતા. જેમાં તાવ, શરદી, ઉધરસની તકલીફ હોય તેવા 77 લોકો હતા. 1300 લોકો હોમ ક્વોરન્ટાઇન મુક્યા હતા. 79 ટકા સર્વેનું કામ પૂરું થયું છે. હજી 21 ટકા કામ બાકી છે. આખો સર્વે પૂર્ણ થતાં તાવ શરદી-ઉધરસના દર્દીઓનો આંકડો હજી વધશે.
અત્યાર સુધીમાં જે સર્વે થયો છે તે મુજબ તાવ, શરદી, ઉધરસ અને શ્વાસની તકલીફ પડે 2820 લોકો મળી આવ્યા છે. કોરોના વાયરસના કારણે વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 7 થઈ છે અને 1300 વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇનમાં રખાયા છે.
રાજ્ય સરકારે કોરોના ચેપ વધુ પ્રસરે નહિ તે માટે સમગ્ર શહેરના આશરે પાંચ લાખ ઘરોનો સર્વ કરવા સુચના આપતા સર્વેલન્સની કામગીરીમાં આરોગ્ય વિભાગના આશરે 1072 કર્મચારીઓ જોડાયા છે. તેઓ તાવ શરદી અને ઉધરસના દર્દીઓ સર્વેમાં જણાય તો નજીકના કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં મોકલવાની અને દવા લઈ લેવા ખાસ સલાહ આપી રહ્યા છે. સર્વેની કામગીરી એક દિવસમાં પૂરી થઈ જાય તેવી સંભાવના છે.