રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
છેલ્લા દસ દિવસમાં માસ્ક વિના જાહેરમાં ફરતા ૮૧૭ નાગરિકોને રૂ. ૧,૬૩,૪૦૦ નો દંડ ફટકારાયો.
કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું એ સૌથી અગત્યની બાબત છે. તેમ છતાં કેટલાંક બેજવાબદાર નાગરિકો મનસ્વી વર્તન દાખવીને પોતાની સાથે અન્ય નાગરિકો માટે સંક્રમણનું જોખમ ઊભું કરે છે. આવા નાગરિકો સામે નગરપાલિકા દાહોદ અને ટાઉન પોલીસે સંયુક્ત અભિયાન હાથ ધરીને કડક પગલા લીધા છે. જેમાં છેલ્લા દસ દિવસમાં માસ્ક વિના જાહેરમાં ફરતા ૮૧૭ નાગરિકોને રૂ. ૧,૬૩,૪૦૦ નો દંડ ફટકારાયો છે. દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસ દ્વારા નાગરિકોમાં માસ્ક અને સામાજિક અંતરના નિયમો બાબતે જાગૃકતા લાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકો આ નિયમોનું પાલન કરીને કોરોના સંક્રમણને દૂર રાખી શકે છે. પરંતુ કેટલાંક નાગરિકો ધરાર બેદરકારી દાખવીને માસ્ક જેવા સામાન્ય નિયમનો પણ ભંગ કરી રહ્યા છે. તા. ૦૬ જુલાઇ થી તા. ૧૫ જુલાઇ સુધીમાં દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસની ૫ કર્મચારીઓની બનેલી ૬ ટીમો દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને માસ્ક વિના ફરતા ૮૧૭ નાગરિકોને દંડિત કરવામાં આવ્યા હતા.
