હાલ સમગ્ર ભારત માં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકાર દ્વારા સંક્રમણ ને ફેલાતું અટકાવવા માટે લોકડાઉંન અમલમાં હતું ત્યારે ઘણી બધી કંપનીઓ દ્વારા સરકારના લોકડાઉંનના નિયમો નું પાલન થાય તે માટે તેમના પ્રોડક્ટ્ક્સ ઉપર લોકડાઉંનના પાલન માટેના સિદ્ધાંતો લખેલા આવતા હતા.તેમાં લોકડાઉંન માં માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, જરૂર વગર ઘરની બહાર ન નીકળવું જેવા જાગૃતતા માટે ના સૂત્રો લખેલા હોય છે.આ સૂત્રોમાં વાઘબકરી કંપની એ છાપેલા પેમ્પલેટમાં વાળંદ સમાજની લાગણીઓને દુભાવે તેવા શબ્દોનો પ્રયોગ થયો હોય તેથી પંચમહાલ લીમ્બચ યુવા સંગઠન અને વાળંદ સમાજ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને વાઘ બકરી ચા ની કંપનીના વિરોધના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે વાઘબકરી ચા ની સમગ્ર ગુજરાત માં શાખાઓ છે આવી નામાંકિત કંપનીનાના પેમ્પલેટમાં ૬ ક્રમના મુદ્દામાં લખેલું હતું કે વાળંદ ની દુકાને જવું નહિ, વાળંદ ને ઘરે બોલાવવા, કાંસકો,બ્લેડ,રૂમાલ વગેરે સાધન પોતાનું વાપરવું આવા શબ્દોનો ઉપયોગ કરી ને વાળંદ સમાજ ની લાગણીઓ ને દુભાવી હતી.આ પેમ્પલેટો કંપની દ્વારા દુકાનો અને જાહેર સ્થળો ઉપર લાવેલા છે જેને કારણે આમ સમાજમાં એક ડર પેદા થાય છે.આ ડર ના કારણે વાળંદ સમાજ ની રોજી રોટી પર મોટો ખતરો ઉદ્ભવી શકે છે. જોકે વાળંદ સમાજ ના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે લોકો સરકારની ગાઇડલાઇન પ્રમાણે કામ કરી રહ્યા છે તેમના આવા લખાણ સાથેના પેમ્પલેટ થી અમારા સમાજના લોકો ને મોટો આઘાત લાગ્યો છે. જેથી વાઘ બકરી ચા ની કંપનીના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને જો ૭ દિવસમાં પગલાં નહિ લેવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.