રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ નગરમાં સામાજિક અંતરનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે નગરપાલિકા અને પોલીસની કાર્યવાહી આજ સતત બીજા દિવસે પણ જારી રહી છે. કલેક્ટરશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરતી જણાયેલી બે રેસ્ટોરન્ટને નગરપાલિકાએ તાળા મરાવી દીધા છે. દાહોદમાં અનલોક-૨માં મળેલી છૂટછાટ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી વેપારીઓને શરતોને આધીન વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાઇ છે. ખાસ કરીને ઉપાહાર આપતા નાસ્તાગૃહોને માત્ર ડિલિવરી (પાર્સલ) સેવાઓ થકી જ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આમ છતાં, નગરમાં કેટલીક રેસ્ટોરન્ટ ગ્રાહકોની ભીડ કરીને નાસ્તો આપતી હોવાની ફરિયાદો મળતા કલેક્ટર વિજય ખરાડીએ આ બાબતે કાર્યવાહી કરવાની દાહોદ નગરપાલિકાને સૂચના આપી હતી.તેના પગલે નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા આજ બીજા દિવસે પણ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં માણેક ચોક સ્થિત યાદગાર હોટેલ અને ગોદી રોડ ઉપર આવેલી ગણેશ રેસ્ટોરન્ટ દ્વારા નિયમોનો ભંગ થતો હોવાનું જણાતા બન્ને રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યા હોવાનું મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું હતું.